એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ફ્લેમ ઓફ ફોરેસ્ટ – કેશુડા ટુરનો આજથી થયો પ્રારંભ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ની વનરાજી માં કેસુડા નીહાળવા પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો ભારે ધસારો

કેસુડા ટ્રેઇલમાં જવાથી કુદરત અને રંગોનું સાંનિધ્ય મળતા તેની માનસપટલ ઉપર થાય છે સકારાત્મક અસર

વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે.આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિંધ્યાચલની પર્વત માળામાં કેશુડા ટુરની શરુઆત થઇ છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તારમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે…. જેનો લાભ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પરીકલ્પના મૂજબ શરુ થયેલા “કેસુડા ટુર”ના ૨૦૨૪ની સિઝનના પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.આજે સવારથી શરૂ થયેલ આ ટુરમાં મુંબઇ અને વડોદરાના પ્રવાસીઓ જોડાયા હતા અને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરી હતી.
કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેઇલ ચાલે છે. તેમાં એક રૂટ છે ઝીરો પોઇન્ટ. માત્ર ચાર જ કિલો મિટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ભુમલીયા ગામ પાસે આવેલ ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેઇલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવા સાથે કુદરતના સાંનિધ્યની લ્હાવો મળે છે. આ ટ્રેઇલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવ નંબર ચાર પાસેથી પસાર થાય છે. એટલે એના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ઉગ્યા છે. તેના ઉપર આ ફાગળિયા ફૂલો બેસતાની સાથે જ અદ્દભૂત પરિદ્રષ્ય ઉભું થાય છે. આમ જોઇએ તો આ ટ્રેઇલમાં સાડા ત્રણ હજારથી પણ વધુ ખાખરાના વૃક્ષો છે. એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવું મનમોહક લાગે ? એની કલ્પના કરવા માત્રથી જો રોમાંચિત થઇ જાય તો વિચારો કે આ ટ્રેઇલમાં જોડાવ તો કેવી મજા પડતી હશે.પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે.
કેશુડા ટુરમાં પ્રવાસીઓની સાથે નિષ્ણાંત વનકર્મીઓની સાથે તાલીમબદ્ધ ગાઈડમિત્રો રહીને સમૃદ્ધ વનવારસાની સાથે વન વિસ્તારની વૈવિધ્તાની ઓળખ આપે છે, સાથે-સાથે કેશુડા વૃક્ષ અને તેના ફુલના ઔષધિય ઉપયોગ સહિતની તમામ માહિતી આપે છે.એકતા નગર વિસ્તારમાં કેશુડાના વૃક્ષો મોટી સંખ્યામાં મા છે, સમગ્ર ક્ષેત્રમાં કેશુડાના ૬૫,૦૦૦ કરતા વધારે વૃક્ષો આવેલા છે.આ ઋતુમાં સમગ્ર વિસ્તારે જાણે કેસરી ચાદર ઓઢી હોય તેવુ આહલાદક દ્રશ્ય સર્જાય છે. જેના કારણે જ ફ્લેમ ઓફ ફોરેસ્ટ કહેવાય છે.
આયુર્વેદમાં કેશુડાનો મહિમા વર્ણવ્યો છે, કેશુડાના ફુલના ૫ ભાગ ફળ,ફુલ,ડાળી.ફુલ અને બીજમાંથી ખાસ આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે, જે થકી પેટ,ચામડી અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે. પ્રાચિન સમય અને આજે પણ ધુળેટીમાં કેશુડાના ફુલના પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે,કેશુડાના ફુલને પાણીમાં પલાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોફો સામે રાહત મળે છે.
કેશુડાના વૃક્ષ પર ફુલ આવતાની સાથે જ આજથી કેશુડા ટુરની શરૂઆત કરવામાં આવી છે, સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો:

ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને

ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)

પ્રવાસનો સમય – સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦
(મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.)

ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

મહત્વ અને ઉપયોગઃ

૧) સાંસ્કૃતિક મહત્વ આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેનાં પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી” માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિંદુ યજ્ઞવિધિઓમાં થાય છે.
૨) ઔષધીય ગુણો આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે અને તેના જુદા જુદા ભાગોનો ઉપયોગ પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે.કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.
આકરા ઉનાળાના પ્રારંભને કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે.સફેદ કેસુડા પણ થાય છે જે ખૂબ જૂજ જોવા મળે છે.કેસુડાના ફૂલ પાણીમાં નાંખીને સ્નાન કરવા થી ઠંડક મળે છે અને ચામડી માટે પણ તે ઔષધ રૂપ બને છે.મધ્ય ગુજરાતના નર્મદા,છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ ના જંગલોમાં તેની બહુતાયત છે.
મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે.આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછીપાતળી પૂરક આવક મેળવે છે.

આ સફરમાં આપની સાથે હશે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગાઈડ ) તેઓ આપને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here