નોકરીની ગેરંટી સાથે એકતાનગર ખાતે ચાલતુ કૌશલ્ય વર્ધન કેન્દ્ર – તાલીમ લો એટલે નોકરી પાક્કી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રના ૭૮ ટકા તાલીમાર્થીઓને ઘર આંગણે જ મળી નોકરી

આ કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતા પણ વધારે

કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ લેવામાં આદિવાસી યુવતીઓ અગ્રેસર, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કરે છે નોકરી

એકતાનગર ખાતે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સૃજનનું માધ્યમ બની છે. ખાસ કરીને આદિવાસી યુવાનો પણ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય એ માટે બનાવવામાં આવેલા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી ઘર આંગણે નોકરી કરતા થયા છે. એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો ૭૮ ટકા જેટલો છે. આ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતા અનેક ગણો વધારે છે. અહીં તાલીમ લે એટલે નોકરી પાક્કી જ એવું સમજવાનું !

ગ્રાંધી મલ્લીકાર્જુન રાઓ વારાલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી થઇ અને વર્ષ ૨૦૨૧માં અહીં એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. વારાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તેમ એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે એકથી ત્રણ માસના ટૂંકા સમયગાળાના નવ કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં નર્મદા જિલ્લાના ૧૫૧ ગામોના યુવાનોને તાલીમ આપવામાં આવી છે. જે પૈકી ૯૦ ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે. અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં ૫૫ ટકા યુવતીઓ અને ૪૫ ટકા યુવાનો છે. એટલે કે, અહીંથી તાલીમ લઇ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે. એસઓયુ દ્વારા તાલીમાર્થીઓના પરિવહન માટે ત્રણ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં ૭૧ બેચને તાલીમ આપવામાં આવી છે. જેમાં ૧૫૦૧ જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી અને તે પૈકી ૧૧૭૩ તાલીમાર્થીઓને એસઓયુ પરિસરમાં જ નોકરી મળી છે. એ પ્રમાણ જોઇએ તો ૭૮ ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી છે. બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાયા છે. ૭૦ જેટલી નેશનલ, મલ્ટિનેશનલ કંપનીઓમાં આ તાલીમાર્થીઓને નોકરી મળી છે.

રસપ્રદ બાબત તો એ છે કે, સ્ટારબક્સ જેવી બહુરાષ્ટ્રીય કંપનીની એક કોફી બનાવવા માટે પણ તેના મિશ્રણની પદ્ધતિ શીખવી પડે છે. એસઓયુ પરિસરમાં આ કામ પણ આદિવાસી યુવાનો સારી રીતે શીખી ગયા છે અને ત્યાં કામ કરી રહ્યા છે. માતબર રકમનો પગાર પણ મેળવી રહ્યા છે.

અહીં ઇ-ઓટો ડ્રાઇવર, લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર, હાઉસ કીપિંગ એન્ડ રૂમ એટેન્ડન્સ, ઇલેક્ટ્રીશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિએટ્સ, કોમ્પ્યુટર – ડાટા એન્ટ્રી ઓપરેટર, બ્યુટી થેરપિસ્ટ, ફૂડ એન્ડ બેવરિઝ સ્ટીવર્ડ અને ટુરિસ્ટ ગાઇડની તાલીમ આપવામાં આવે છે.

તેમાં સૌથી વધુ માંગ ઇલેક્ટ્રીશ્યનની રહી છે. તેમાં પ્લેસમેન્ટનું પ્રમાણ સો ટકા જેટલું છે. એ બાદ ઇ-ઓટોમાં ૯૨ ટકા અને હાઉસ કીપિંગમાં ૮૬ ટકા છે. બ્યુટી થેરપિસ્ટનો કોર્સ કર્યા બાદ ઘણી આદિવાસી યુવતીઓ પોતાના ઘરે સ્વતંત્ર વ્યવસાય કરતી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here