સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજારોહણ સમારોહ યોજાયો

એકતાનગર,(નર્મદા) આશિક પઠાણ :-

SOUADTGA મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

આગામી ૧૦ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી વધારે પ્રવાસીઓને આકર્ષનાર પ્રવાસન સ્થળ બનશે – ઉદિત અગ્રવાલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજદીન સુધી ૧.૭૫ કરોડ પ્રવાસીઓએ મુલાકાત કરી

વર્ષ ૨૦૨૩માં સૌના સાથ અને પ્રયાસથી ૫૧ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી

રાષ્ટ્રના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સરદાર સાહેબની અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને સરદાર સરોવર નર્મદા નિગમના સંયુકત વહિવટી સંચાલક તથા સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના કમિશ્નર ઉદિત અગ્રવાલે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ અગ્રવાલે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF) અને રાજય અનામત પોલીસ દળ (SRP) ના‌ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

SOUADTGA મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ૨૬ જાન્યુઆરી. ભારતના ઇતિહાસમાં એક મહતવપૂર્ણ દિવસ છે જેને આપણે સૌ પ્રજાસત્તાક પર્વ તરીકે ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. આજના આ જ દિવસે વિવિધતામાં એકતાને પ્રસ્થાપિત કરતા ભારતના પવિત્ર બંધારણને લાગુ કરવામાં આવ્યુ હતુ.આજનું આ પર્વ સમ્રુદ્ધિ,સામાજીકતા અને એકતાને ભાવનાને બુલંદ કરે છે.પ્રજાસત્તાક પર્વનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે, જે યાદ અપાવે છે કે, આપણે સૌ વિભીન્ન સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાથી આવીએ છીએ છ્તા પણ એક સમૃધ્ધ ગણરાજયના સ્વરુપે એકજુટ થઇએ છે.આજનું પર્વ ભારતીય સમાજની એકતાનું અદ્ભુત પ્રતિક છે જે વિભિન્ન જાતી,ભાષા,ધર્મ અને સંસ્કૃતિની એકતા પ્રદર્શિત કરે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં આજના આ પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે.અને આજની સશસ્ત્ર સુરક્ષા દળોની પરેડ શિસ્ત, સુરક્ષા અને સ્મૃધ્ધિની ભાવનાને ચરિતાર્થ કરે છે.

વિતેલા વર્ષમાં આપણે અનેકવિધ સકારાત્મક કાર્યક્રમો આપણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, આપણા ટીમવર્કની જ આ ફળશ્રુતી છે જેની સકારાત્મક નોંધ આજે સૌ જગ્યાએ લેવામાં આવી રહી છે. આપણે સૌરાષ્ટ્ર તામીલ સંગમ,રાજય સરકારશ્રીની ૧૦મી ચિંતન શિબીર,G20 સમીટ અંતર્ગત ૩જી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વર્કિંગ ગૃપની બેઠક, મેઘ મલ્હાર પર્વ, રાષ્ટ્રીય એકતા દિવસ અને કાઇટ ફેસ્ટીવલ અને ૭૫ જેટલી કોન્ફરન્સ જેવા અનેક કાર્યક્રમો સામેલ છે.

૨૦૧૮થી આજદીન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને અન્ય પ્રકલ્પોની ૧.૭૫ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જે આપણા માટે ગર્વની વાત છે.તેમાં પણ ૨૦૨૩ના વર્ષમાં રેકોર્ડબ્રેક ૫૦ લાખ પ્રવાસીઓને આપણે આવકાર્યા છે. આગામી ૧૦ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી વધારે પ્રવાસીઓને આકર્ષનાર પ્રવાસન સ્થળ બનશે તેવો આશાવાદ અગ્રવાલે વ્યકત કર્યો હતો.

પ્રવાસન સ્થળ તરીકેનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રી ની દુરંદેશી ભરી નીતિ રહી છે. બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર. જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૦ ઇ-બસ, ૧૦ ઇ-ગોલ્ફ કાર્ટ ૧૨૦ ઈ-બાઈસિકલની સેવા પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના હસ્તે લીલીઝંડી આપી પ્રવાસીઓની સેવાર્થે મુકવામાં આવી છે.

ઇજનેરી વિભાગ દ્વારા વિતેલા વર્ષ દરમ્યાન અનેક પ્રવાસીલક્ષી વિકાસકાર્યો સંપન્ન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યત્વે બસ-બેથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ થઇ શકે તે માટે વિશાળ વોક વે અને ફ્રીસ્કીંગ બૂથ,જંગલ સફારીમાં પેવર બ્લોક,નર્મદા માતાજીની મુર્તી પાસે આકર્ષક ફાઉન્ટેઇન સર્કલ,વિવિધ જગ્યાએ ટોઇલેટ બ્લોક્સ, નર્મદા માતાજીની મુર્તિથી ભુમલીયા રોડ સુધી આકર્ષક ફેન્સીંગ,ફુટપાથ અને બ્યુટીફીકેશન કામગીરી,સ્પીડ્બ્રેકર અને કંપાઉન્ડ વોલ,ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન, સ્વચ્છ્તા જાળવવા માટે ૨૦૦થી વધારે ડસ્ટબીન,પાણી-પુરવઠા અને ગટરવ્યવ્સ્થા ને લગતા કામો,નર્મદા આરતી આજે ઘરે બેઠા લાઇવ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.એકતા મોલથી ભુમલીયા રોડ,એકતા દ્વારથી ગરૂડેશ્વર અને ગોરા ગામથી એકતા નર્સરી સુધી સ્ટ્રીટ લાઇટની કામગીરી આપણે સફળતાપુર્વક પૂર્ણ કરેલ છે. અને હાલમાં અનેકવિધ કાર્યો પ્રગતીમાં છે.

સ્વચ્છતામાં એકતા નગર આજે દેશને એક નવી રાહ ચિંધી રહ્યુ છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આ ક્ષેત્રે થયેલ કામગીરીની ચર્ચા તમામ સ્તરે થઇ રહી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરળતાથી દરેક આકર્ષણ સ્થળોની માહિતી મળી રહે તે માટે દ્વારા પેઈડ ગાઈડ સર્વિસની સુવિધા પ્રવાસીઓ માટે શરુ કરવામાં આવી છે જેને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.આગામી સમયમાં સ્માર્ટ પાર્કિંગ અને સ્માર્ટ બસ સ્ટોપની આધુનિક સુવિધા વિકસાવવા સકારાત્મક પ્રયત્નો કરવા ટીમને હાકલ હાકલ કરી છે.

ગ્રીનીંગ ઓફ એકતાનગર પ્રોજેક્ટ હેઠળ મોટા છોડ અને નાના રોપાઓ ૪.૫૦ લાખથી વધુ વાવેતર કરવામાં આવેલ છે.મહિલાઓને સ્વ-રોજગારી મળે તે હેતુથી એકતાનર્સરી, ભારતવન, આરોગ્ય વન ખાતે SHG મંડળ કાર્યરત છે. જેમાં કુલ ૬૫ મહિલાઓને આત્મ નિર્ભર બનવાની તક આપવામાં આવેલ છે. તેમના કૌશલ્ય વર્ધન માટે નવી ટ્રેનિગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલ છે.કેકટ્સ ગાર્ડન ખાતે પ્રવાસીઓની રૂચી વધે તે માટે નવા ૩૭૭ જાતના રોપાઓનો ઉમેરો કરવામાં આવેલ છે.એકતાનગર ખાતે સને ૨૦૨૩-૨૪ માં નવું કમલમ પાર્ક બનાવવામાં આવેલ છે. જેમાં એકતાનગર આસ-પાસનાં ખેડુતોને ડ્રેગનફુટની ખેતી વિશે માહિતગાર કરવામાં આવે છે. આ નર્સરીમાં કુલ ૧.૦૮ લાખ રોપાનું ઉછેર પણ કરવામાં આવેલ છે.
ધ્વજવંદન બાદ ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતુ.વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ૩૦ જેટલા કર્મચારીઓનું પણ ઉદિત અગ્રવાલે સન્માન કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે,નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, SRPના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, નાયબ કલેકટર ડૉ. પંકજ વલવાઇ, દર્શક વિઠલાણી, શિવમ બારીયા, અભિષેક સિન્હા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંઘ પ્રવાસીઓ અને અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here