સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત્ રેડીયો યુનિટી ખાતે સેવા આપતા ૪ સ્થાનિક રેડીયો જોકીનું મુખ્યમંત્રી કર્યુ સન્માન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન એ ‘મન કી બાત’ માં ઉલ્લેખ કરેલા ગુજરાતના રર જેટલા વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવાદ-સ્નેહ મિલન કાર્યક્રમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડીયો સ્ટેશનના ૪ રેડીયો જોકીનો ૨ એપિસોડમા ઉલ્લેખ થયો હતો

સમાજજીવનમાં આવું પ્રદાન અન્યો માટે પ્રેરણાસ્ત્રોત છે- ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં જેમનો વિશેષ ઉલ્લેખ કર્યો છે તેવા મૂળ ગુજરાતના રર જેટલા વ્યક્તિવિશેષોનું ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું.
૨૨ પૈકી ૪ વ્યક્તિ વિશેષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડીયો સ્ટેશન ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે.રેડીયો યુનિટી ખાતે ૪ જેટલા સ્થાનિક ગાઈડ કે જેઓ રેડીયો જોકી તરીકે પણ સેવાઓ આપે છે તેવા ગુરુચરણ તડવી,સુશ્રી ડૉ. નિલમ તડવી,સુશ્રી ગંગા તડવી અને સુશ્રી હેતલ પટેલ સંસ્કૃત ભાષામાં રેડીયો પર માહિતી રજુ કરે છે જેમના કાર્યની સરાહના કરીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ફેબ્રુઆરી -૨૦૨૧ અને ઓગસ્ટ -૨૦૨૧ ના રોજના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,રેડીયો યુનિટી ખાતે રેડીયો જોકી તરીકે સેવાઓ આપવા માટે ૪ ગાઇડને પસંદ કરવામાં આવ્યા હતા તેઓને રેડીયો જોકીની તાલીમ આપવામાં આવી છે સાથે સાથે પ્રાચિન ભાષા સંસ્કૃતની પણ તાલીમ આપવામાં આવી છે. જેથી સમગ્ર દિવસ દરમ્યાન રેડીયો યુનિટીના માધ્યમથી સંસ્કૃત ભાષામાં માહિતી પ્રદાન કરવામાં આવે છે.
સમાજજીવનમાં પ્રજાલક્ષી, પ્રજાઉપયોગી અને પ્રેરણાત્મક કાર્યો કરનારા જનસામાન્યની વાત દેશવાસીઓ સમક્ષ સહજ સંવાદથી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા મુકીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાના માનવીની મોટી સિદ્ધિઓને બિરદાવી છે તેમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વ્યક્તિવિશેષો સાથે સંવાદ સાધતાં કહ્યું કે, પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલક્ષી કાર્યો અને સમાજજીવનમાં ઉલ્લેખનીય પ્રદાન કરનારા આપ સૌ અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો. ભૂપેન્દ્ર પટેલે આ સૌ મહાનુભાવોનું સન્માન કરતા તેમને પોતાના કાર્યક્ષેત્રમાં વધુ ને વધુ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવવા સાથે એમ જણાવ્યું કે, રાજ્ય સરકાર જ્યાં જરૂર પડે ત્યાં તેમને સહયોગ આપવા પણ તત્પર રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેયમંત્ર સાથે ગુજરાતને દેશના ગ્રોથ એન્જીન તરીકે આગળ ધપાવવા પણ અનુરોધ કર્યો હતો.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૦૦ હપ્તા આગામી દિવસોમાં પૂર્ણ થવાના છે. આ વાર્તાલાપ શ્રેણીના અત્યાર સુધીના વિવિધ એપિસોડમાં જેમનો વડાપ્રધાન એ વિશેષ ઉલ્લેખ કરેલો છે તેવા રર ગુજરાતીઓને સ્મૃતિચિન્હથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત કર્યા હતા અને સ્નેહમિલન યોજ્યું હતું.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ અને સન્માનિત થયેલા રેડીયો જોકી ગુરુચરણ તડવી,સુશ્રી ડૉ. નિલમ તડવી,સુશ્રી ગંગા તડવી અને સુશ્રી હેતલ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ભેટ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here