સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં કચરો ઠાલવવાના મુદ્દે થયેલ જાહેર હિતની અરજી ઉપર સુનવણી દરમ્યાન સિધ્ધપુર નગરપાલિકા ઉપર હાઈકોર્ટ લાલઘુમ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના રાજપુર વિસ્તારના મ્યુનિસિપલ સદસ્યની જાહેરહીતની અરજીની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે નગરપાલિકાના.૩૬ સદસ્યોને ડીસમીસ કરી નગરપાલિકા સુપરસીડ કરવાની ચેતવણી આપી

સિધ્ધપુર એ ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષમાં પ્રસિદ્ધ તિર્થક્ષેત્ર બિન્દુ સરોવર તેમજ કુંવારિકા સરસ્વતી નદી થી છે પ્રાચીનકાળથી આપણી સંસ્કૃતિમાં કુવારીકા સરસ્વતી નદીમાં સ્નાન કરીને અર્પણ તર્પણ સમર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે જેથી બારેમાસ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના માતૃ પિતૃ તર્પણ અને દેવ કર્મ કરવા માટે આવે છે પવિત્ર સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જનનું અનેરું મહત્વ હોવાથી અહીં મોટી સંખ્યામાં અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જેનાથી સિધ્ધપુરની ઓળખ છે તે પવિત્ર સરસ્વતી નદીમાં સતત પાણી રહેતું રહે તેવી પાણી લાવવા માટેની માંગ કરવાની જગ્યાએ નદીમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે આઠ વર્ષથી નગરપાલિકા પાસે ડમ્પિંગ સાઇટ હોવા છતાં સરસ્વતી નદી માં કચરો ઠાલવવામાં આવતા સિધ્ધપુરના રાજપુરના મ્યુનિસિપલ સદસ્ય દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી
સિધ્ધપુર નગરપાલિકાને સરકાર દ્વારા ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ અને નિકાલ માટે છેલ્લા ૮ વર્ષથી રાજપુર અને કોટ ગામ વચ્ચે અલાયદો પ્લોટ અને તે માટેની મશીનરી ફાળવવા છતાં ત્યાંના અસમાજિક તત્વોના ડરથી થરથર કાંપતા નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ચારેક વર્ષથી પવિત્ર સરસ્વતિ નદીના ખુલ્લા પટ અને કિનારાઓ ઉપર પર્યાવરણ અને નદીને પ્રદુષિત કરતો ગંદો ઘન કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) મુક સાક્ષી બનીને તમાશો જોતા રહ્યા અને કોઈ પગલાં લેવાયા નથી એવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.
સિધ્ધપુર જેવા પવિત્ર સ્થળ કે જ્યાં નદીમાં પાણી હોય ત્યારે દુરદુરથી શ્રધ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા અને તર્પણ કરવા આવે છે ત્યારે આ નદીને ચાલવા લાયક પણ નહી રાખનારી નગરપાલિકા સામે વોર્ડ નં-૨ ના અપક્ષ મ્યુનિસિપલ સદસ્ય વિકાસ પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને સરસ્વતી નદીને ગંદકી મુક્ત કરવા માટે દાદ માંગવામાં આવી હતી જેની સુનાવણી તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ને શુક્રવારના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી. પારડીવાલાની સ્પેશ્યલ બેન્ચ સમક્ષ થઈ હતી જેમાં નગરપાલિકા તરફથી પ્રસિધ્ધ વકીલ વિજય પટેલ(પૂર્વ ધારાસભ્ય) અને અરજીકર્તા તરફે એડવોકેટ ચિંતન દવે ઉપસ્થિત રહ્યા હતા.જોરદાર દલીલોના અંતે હાઈકોર્ટના મુખ્ય જજ જે.બી.પારડીવાલાએ સિધ્ધપુર નગરપાલિકા તંત્રની ઘનકચરાના નિકાલની કામગીરી અને પવિત્ર નદીમાં કચરો ઠાલવવાની નીતિ બદલ ભારે નારાજગી વ્યકત કરી પવિત્ર સરસ્વતી નદીને ગંદી કરવા બદલ લાલઘુમ થયા હતા અને નગરપાલિકાને સખત આદેશો આપ્યા હતા તથા આગામી સુનવણી પહેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, કલેકટર પાટણ અને સરકારને આ બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરીને રીપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા છે. સ્પેશ્યલ બેન્ચના જજ જે.બી પારડીવાલાએ તાત્કાલીક અસરથી નદીમાં કચરો નાંખવાનું બંધ કરવા આદેશ કર્યો છે અને જો નગરપાલિકા તંત્ર તેમાં કચાશ રાખશે તો તમામ ૩૬ સદસ્યોને તેમજ બોર્ડને ડીસમીસ કરી નગરપાલીકાને સુપરસીડ કરવામાં આવશે તેવી ગંભીર ચેતવણી આપી છે. વર્તમાન બોર્ડ દ્વારા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા અને વાટાઘાટો ચાલી રહી છે અને છેલ્લા દોઢેક મહિનાથી કચરો ડેઝીગ્નેટેડ લેન્ડ માં નાંખવામાં આવી રહ્યો છે પરંતુ નગરપાલિકાના વકીલ કોર્ટને તે સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

હાઈકોર્ટે આપેલ આદેશો મુજબ

(૧) આજથી જ કોઈપણ પ્રકારનો કચરો નદીમાં નાંખી શકાશે નહી.
(૨) જીપીસીબી આ આખા મામલાની ઝીણવટભરી તપાસ કરી ઘન કચરાના નિકાલ માટે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા કઈ પ્રક્રિયા પાળવામાં આવી રહી છે તે સહીત આ કૃત્ય માટે જવાબદારોને ચિન્હીત કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે
(૩) નામદાર હાઈકોર્ટ દ્વારા કલેકટર પાટણને પણ સિધ્ધપુર નગરપાલિકા નદીમાં કચરો ના ઠાલવે તે માટે ખાતરી આપવા જણાવ્યુ છે.
(૪) નામદાર હાઈકોર્ટના અવલોકન મુજબ રોજનો ૧૦ ટન કચરો નદીમાં ઠલવાઈ રહ્યો છે જેના કારણે નદીને ગંભીર નુકશાન પહોંચ્યુ છે અને તેને કોઈપણ રીતે સાફ કરી શકાય તેમ નહી હોવાથી આ માટે જવાબદાર પૂર્વના તેમજ વર્તમાન શાશકો અને અધિકારીઓ, કર્મચારીઓ વિરૂધ્ધ કાયદેસર રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
(૫) ગુજરાત સરકાર દ્વારા સિધ્ધપુર નગરપાલિકાને ફાળવાયેલ જગ્યામાં જ નગરપાલિકાએ આજથી કચરો ઠાલવવા અને તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવા કડક આદેશ આપ્યા છે.
(૬) નામદાર કોર્ટે ઘન કચરાના નિકાલ અંગે નગરપાલિકાના મનમાની કરતા અને પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવવાના બદલે અન્ય ઓલ્ટરનેટીવ સરળ પરંતુ જાહેર હીત અને પર્યાવરણને નુકશાનકર્તા માર્ગો અપનાવનાર તંત્રને લપડાક મારી છે અને તાત્કાલીક અસરથી ઘન કચરાના નિકાલ માટે દોડતા કરી દીધા છે.
સિધ્ધપુર નગરપાલિકાના ચૂંટાયેલા અને બોર્ડના સભ્યો જો હવે ઊંઘતા રહેશે તો સભ્યપદ ખોવાની અને સિધ્ધપુર નગરપાલિકા સુપરસીડ થાય તેની તૈયારી રાખવી પડશે, નિષ્ફળ અને મૌન કોંગ્રેસના સદસ્યોને પણ ઘર ભેગા થવાનો વારો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here