શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં “ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા”નું આયોજન કરવામાં આવ્યું…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ માર્ગદર્શિત તેમજ સમગ્ર શિક્ષા, શહેરા આયોજિત તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં “ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ થયેલ બાળ મેળાઓ વિશે તેમના જણાવ્યા મુજબ સદર બાળ મેળાની પ્રવૃત્તિઓ કરવા માટે શાળા મુજબ ₹1000/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત બાળ મેળાથી વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે “બાળમેળો” તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત “લાઈફ સ્કીલ બાળમેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગિજુભાઈ બધેકા “બાળ મેળા” અને “લાઈફ સ્કીલ મેળા” બંનેમાં “ટોક શો” નામની નવી પ્રવૃતિ અંતર્ગત લોકડાઉનમાં ઘરે પ્રવૃત્તિની મજા, મારું ઘર મારા વિચારો, ઘરમાં રહો સુરક્ષિત રહો, મારી સામાજિક ફરજ વગેરે વિષયો પર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેમજ ધો.1 થી 5 ના પ્રાથમિક બાળકો માટે બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચિટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપુરણી, કાગળકામ, બાળ રમતો, એકમિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત અભિનય પપેટ, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનનાં સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ફ્યુઝ બાંધવો, સ્ક્રુ લગાવવો, કુકર બંધ કરવું, ખીલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યનો સમાવેશ કરી તેમજ સમાજનું જોડાણ માટે તે હેતુસર મેટ્રિક મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ જેવી કે આનંદ મેળા, વસ્તુસામગ્રી, વેચાણ સ્ટોલ, બાળકોના વજન-ઉંચાઈ માપવી, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ કરવો વગેરે પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટરોની પ્રત્યક્ષ અને પરોક્ષ નિગરાની હેઠળ શાળા કક્ષાએ આચાર્યો, શિક્ષકો તેમજ તમામ 40 હજાર જેટલા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગિજુભાઈ બધેકા બાળ મેળા અને લાઈફ સ્કીલ અંતર્ગત શહેરા તાલુકાના વિદ્યાર્થીઓને આનંદ સાથે આત્મનિર્ભર બનવાની દિશા મળશે. સહકાર આપનાર તમામનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here