રાજ્યમંત્રીશ્રી જયદ્ર્થસિંહ પરમારે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અને ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત કામગીરીની સમીક્ષા હાથ ધરી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્ર્થસિંહ પરમારે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અને ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ગોધરાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં કામગીરીની વિગતો મેળવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિમાં પોતાના પરિવારને અને આસપાસ લોકોને ચેપથી બચાવવા માટે આઈસોલેટ થવું અતિ અગત્યનું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આ બાબત સમજે અને આઈસોલેટ થવાની સુવિધા ન ધરાવતા લોકો માટે ગામે-ગામ શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરનો મહતમ ઉપયોગ કરે, તે અંગે જાગરૂક બને તે અતિ જરૂરી છે. તેથી સ્થાનિક-સામાજિક અગ્રણીઓનો સહયોગ મેળવી તલાટીશ્રી-આશાવર્કર સહિતના ગ્રામ્ય સ્તરે કામગીરી કરતા કર્મચારીઓ-અધિકારીઓ આ અંગે અસરકારક કામગીરી કરે તે અંગે મંત્રીશ્રીએ સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. જિલ્લામાં કાર્યરત થયેલા આરસીસીસી (રૂરલ કોવિડ કેર સેંટર્સ) અને નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ શરૂ કરાયેલ/કરાઈ રહેલ કોવિડ કેર સેન્ટર્સ, આ સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ બેડ્સની સંખ્યા, એડમિટ થનાર માટે જમવાની વ્યવસ્થાનું આયોજન, દવાઓનો સ્ટોક, ઓક્સિમીટર-થર્મોમીટર, બીપી માપવાના મશીન સહિતના સાધનોની ઉપલબ્ધતા અને સ્થિતિ, ઉપલબ્ધ આરોગ્યકર્મીઓની સ્થિતિ સહિતની બાબતો અંગે સૂક્ષ્મ માહિતી મેળવતા તેમણે કોવિડ કેર સેન્ટર્સમાં ભૌતિક અને આરોગ્યલક્ષી સુવિધાઓનું રેન્ડમ ચેકિંગ હાથ ધરવા વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી. દરેક પીએચસી/સીએચસી પર કોરોનાની સારવારમાં વપરાતી એન્ટિબાયોટીક, એન્ટિવાયરલ સહિતની જરૂરી દવાઓનો નિયત સ્ટોક જળવાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ નિર્દેશ આપ્યા હતા. વધુ પ્રભાવિત વિસ્તારોમાં ધન્વંતરિ રથની મદદથી દવાઓના વિતરણ, ટેસ્ટ તેમજ માર્ગદર્શનની કામગીરી અંગે તેમણે સૂચના આપી હતી. પ્રભાવિત વિસ્તારો સહિતના વિસ્તારમાં આરોગ્ય સર્વેની કામગીરી સમયે જ પૉઝિટિવ આવવાની સ્થિતિમાં હોમ આઇસોલેશનની સુવિધા ન હોય તો કોવિડ કેર સેન્ટરમાં તેઓ આ લાભ વિના મૂલ્યે લઇ શકે અને પરિવારજનોને સુરક્ષિત કરી શકે છે એ અંગે સમજણ આપવાની દિશામાં કામગીરી કરવા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું. જેમના ઘરે અલગ રૂમ, ટોઇલેટ-બાથરૂમ કે ઓક્સિજન-ટેમ્પરેચર માપવાની સુવિધા ન હોય તેવા દર્દીઓએ કોવિડ કેર સેન્ટરનો લાભ અવશ્ય લેવો જોઈએ જેથી આરોગ્ય વિષયક બાબતો નિરીક્ષણ હેઠળ રહી શકે. જિલ્લાની ચાર નગરપાલિકાના ચીફ ઓફિસર્સ પાસેથી તેમણે ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત શરૂ થયેલ કામગીરીની વિગતો મેળવી હતી. શહેરી વિસ્તારોમાં સેનિટાઈઝેશન-સફાઈની કામગીરી અસરકારક અને નિયમિત રીતે ચાલુ રહે તે અંગે સૂચના આપી હતી. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ કે કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેટ થવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી આ કોવિડ કેર સેન્ટર્સની મદદથી જિલ્લામાં સંક્રમણને ફેલાતુ રોકાવામાં સફળતા મળશે તેમ જણાવતા આ સમગ્ર અભિયાનમાં સામાન્ય જનને અને સ્થાનિકોને વધુમાં વધુ સાંકળવાની દિશામાં પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી. રાઠોડ, પ્રાંત અધિકારીસર્વ શ્રી એ.કે.ગૌતમ, સુશ્રી એન.બી. રાજપૂત, શ્રી જયકુમાર બારોટ, ડેપ્યુટી ડીડીઓશ્રી સી.ડી. રાઠવા, સીડીએચઓશ્રી સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ આ અભિયાન માટે નિમાયેલા લાયઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here