પંચમહાલ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વરસાદ, ભારે પવનના પગલે મહત્વપૂર્ણ સેવાના ખોરવાઇ તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીની સૂચના

હોસ્પિટલમાં તમામ સેવાઓ વિના અવરોધે યથાવત રહે તે માટે આગોતરું આયોજન

કર્મચારીઓની રજા રદ, મુખ્યાલય ન છોડવા આદેશ

અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે ચક્રવાતની અસરને પગલે પંચમહાલ જિલ્લામાં વરસાદ અને હળવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન અને તૈયારીઓ હાથ ધરાયા હતા. આ ચક્રવાતના પગલે જિલ્લામાં ભારે વરસાદ કે ભારે પવન ફૂંકાવાની સંભવિત સ્થિતિમાં મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર પર ફરજિયાતપને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં ચાલી રહેલી કોરોના સારવારની બાબતને ખાસ ધ્યાને રાખી ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં જનરેટર-ઑલ્ટરનેટ પાવર સપ્લાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. હોસ્પિટલ્સને ઓક્સિજનનો અનામત જથ્થો રાખવા સૂચના અપાઈ છે. આ ગણતરીએ સિવિલ હોસ્પિટલમાં પણ બફર સ્ટોકની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ હોસ્પિટલ્સને એર પ્રુફિંગ કરવા પણ જણાવાયું છે. નગરપાલિકા સહિતના વિસ્તારમાં કાચા મકાનો-ભયજનક બાંધકામોનો સર્વે હાથ ધરી કામગીરી કરવામાં આવી છે તેમજ ભયજનક બની શકતા હોર્ડિંગ્સ, થાંભલા ઉતારી લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટીના માધ્યમથી આ પ્રકારના બાંધકામોમાં રહેતા લોકોને હાલ પૂરતા સલામત સ્થળે જવા, પશુઓને પણ સલામત સ્થળે રાખવા જણાવાયું છે. ખુલ્લામાં રહેલા કૃષિ પાકોને પણ નુકશાન ન થાય તેવા સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત પવનના કારણે વૃક્ષ પડવાના કારણે રોડ બ્લોકેજ થાય તો વૃક્ષ તુરંત હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા ટીમો તૈયાર રાખવા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિને તેમજ ભારે વરસાદની શક્યતાને ધ્યાને લેતાં કોવિડ રસીકરણ કાર્યક્રમ ૧૭ અને ૧૮ મે ના રોજ બંધ રહેશે. અપીલ કરાઇ છે કે વરસાદ અને ભારે પવનની સ્થિતિમાં કોઇપણ વ્યક્તિ તેમના ઘરની બહાર રસ્તાઓ ઉપર અવર જવર ટાળે તેમજ વૃક્ષો,હોર્ડિગ્સ થાંભલા નજીક ઉભા રહેવાથી સાવધ રહેવા જણાવાયું છે. આ ઉપરાંત મકાનોના ધાબા કે છાપરા ઉપર એવી વસ્તુઓ પડેલી કે જે ભારે પવનની ઉડીને જાન માલને નુકશાન કરે તેમ હોય તેવી તમામ વસ્તુઓને અત્યારથી સુરક્ષિત કરી ઉતારી લેવાની પણ સુચના અપાઇ છે.
કલેક્ટર કચેરી પરિસરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે. આપત્તિના સમયમાં મદદ તથા માર્ગદર્શન માટે ફોન નંબર ૧૦૭૭ ઉપર ફોન કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here