નર્મદા જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચુંટણીઓ યોજવા તંત્ર સજજ – નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આદર્શ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણની સાથે સોંપાયેલી કામગીરી ક્ષતિ રહિત-ચીવટપૂર્વક પૂર્ણ થાય તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

જિલ્લામાં નોંધાયેલા કુલ-૪,૫૭,૭૦૩ મતદારો માટે કુલ-૬૨૪ મતદાન મથકોએ તા.૧ લી ડિસેમ્બરે મતદાન યોજાશે

રાજપીપલા અને દેડીયાપાડા ખાતે સંપૂર્ણ મહિલા અધિકારીઓ/કર્મચારીઓ સંચાલિત સાત-સાત મતદાન મથક ઉભા કરાશે

બન્ને વિધાનસભા વિસ્તારમાં એક-એક મોડેલ, વિકલાંગ અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પણ ઉભા કરાશે

નર્મદા જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને માધ્યમો સાથે શ્રીમતી શ્વેતા તેવતિયાએ કર્યો સીધો વાર્તાલાપ

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૩ જી નવેમ્બર,૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતાં ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભાની કામગીરી સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આજે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ બાબતોની જાણકારી સાથે ચૂંટણીલક્ષી અન્ય આનુષંગિક બાબતોની આંકડાકીય માહિતીથી માધ્યમોને વાકેફ કર્યા હતા.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલ, મીડિયા નોડલ અધિકારીશ્રી વાય. આર. ગાદીવાલાની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથે સીધો વાર્તાલાપ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ ઉમેર્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉક્ત ચૂંટણીઓ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને સંબંધિતોને સોંપાયેલી કામગીરી નિષ્પક્ષ રીતે હાથ ધરીને નર્મદા જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જિલ્લા ચૂંટણીતંત્રને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હોવાનું શ્રીમતી તેવતિયાએ જણાવ્યું હતું..

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત બન્ને વિધાનસભા વિસ્તારમાં સાત-સાત સખી મતદાન મથક, એક-એક મોડેલ, ઇકો ફ્રેન્ડલી અને દિવ્યાંગ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની બેઠકની ચૂંટણી માટે તા.૦૫ મી નવેમ્બર,૨૦૨૨ ના રોજ નોટીફીકેશન પ્રસિધ્ધ કરાશે અને તેની સાથે જ ઉમેદવારીપત્રો સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે. તેમજ તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો સાથે આજે પરામર્ષ બેઠક યોજીને આદર્શ આચાર સહિંતાના અમલીકરણ અંગે પૂરતી જાણકારી આપી તેઓને અવગત કરાયા છે. જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ ફોન નંબર (૦૨૬૪૦) ૨૩૫૫૦૦/૨૩૫૫૦૧ તેમજ ટોલ ફ્રી નંબર–૧૮૦૦-૨૩૩-૮૩૯૬ અને વોટર હેલ્પ લાઇન નં-૧૯૫૦ રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કરાયા છે અને તેના આધારે જિલ્લામાંથી મળનારી વિવિધ ફરિયાદોના નિકાલની કાર્યવાહી કરાશે.

શ્રીમતી શ્વેતા તેવતિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રચારલક્ષી બાબતોમાં લાઉડ સ્પીકર, સભા-સરઘસ, વાહન, પ્રચાર પત્રિકા વગેરેની મંજૂરી માટે સીંગલ વીન્ડો સીસ્ટમ ગોઠવવામાં આવી છે અને સંબંધિત બેઠકના ચૂંટણી અધિકારીશ્રી પાસેથી નિયત સમયમર્યાદામાં આ તમામ મંજૂરીઓ એક જ સ્થળેથી આપવામાં આવશે. જિલ્લાની બન્ને બેઠકો માટે કુલ-૪,૫૭,૭૦૩ મતદારો નોંધાયા છે અને કુલ-૬૨૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. તદઉપરાંત, C-Vigil એપ્લીકેશન પર ચૂંટણીલક્ષી ફરિયાદ કરી શકાશે તેમજ સુવિધા પોર્ટલ પરથી ચૂંટણીના ઉમેદવારો તેમની ઉમેદવારી ઓનલાઇન નોંધાવીને તેના જરૂરી સાધનિક દસ્તાવેજો સંબંધિત ચૂંટણી અધિકારશ્રીની કચેરીએ નિયત સમયાવિધિમાં રજૂ કરવાના રહેશે. તદઉપરાંત Candidate Affidavite Portal અને Know Your Candidate Portal ની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અત્રે એ નોંધનીય છે કે, જિલ્લાની બન્ને બેઠકો માટે નોંધાયેલા કુલ-૪,૫૭,૭૦૩ મતદારોમાં ૨,૩૦,૪૫૦ પુરૂષ મતદારો અને ૨,૨૭,૨૪૮ સ્ત્રી મતદારો, ૩ ટ્રાન્સજેન્ડર મતદારો, ૧૯૦ સેવા મતદારો, ૪૦૮૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. તા.૦૧/૧૦/૨૦૨૨ ની સ્થિતિએ ૭,૨૧૫ જેટલા નવા મતદારો નોંધાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ વધુમાં જણાવ્યા મુજબ ચૂંટણી ખર્ચના ધારાધોરણો અને કોડ ઓફ કન્ડક્સના અમલની બાબતો અંગે તેનો ક્ષતિ રહિત અમલ થાય તે જોવાની પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વકની સૂચના આપવાની સાથે વિવિધ સરકારી વિભાગોએ તેમના તાબા હેઠળની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓને પણ આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે જરૂરી સમજૂતી પુરી પાડવા માટે પણ અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઇ છે.
જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે ૧૮ જેટલાં નોડલ અધિકારીશ્રીઓ, FS (ફ્લાઇંગ સ્કોડ), SST (સ્ટેટીક સર્વેલન્સ ટીમ) VVT (વિડીયોવ્યુઇંગ ટીમ) , VST (વિડીયો સર્વેલન્સ ટીમ), એક્સપેન્ડીટર મોનિટરીંગ શેલ, એકાઉન્ટીંગ ટીમ, MCC ( આદર્શ આચારસંહિતા), AEO વગેરે પણ કાર્યરત કરાયેલ હોવાની શ્રીમતી તેવતિયાએ જાણકારી આપી હતી.

પ્રારંભમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલે તેમના સ્વાગત પ્રવચનમાં તમામ માધ્યમકર્મીઓને આવકારી પત્રકાર પરિષદની રૂપરેખા આપી હતી અને અંતમાં માધ્યમકર્મીઓએ ઉપસ્થિત રહી જિલ્લા ચૂંટણી તંત્રને આપેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here