ડીસાના કૂંપટ ગામે ટોળાએ પોલીસ પર કર્યો હુમલો

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના વરઘોડા મામલે બે સમાજના લોકો વચ્ચે બબાલ થતા બંદોબસ્તમાં પહોંચેલી પોલીસ પર કર્યો પથ્થરમારો

પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો , પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો

બનાસકાંઠામાં ડીસાના કૂંપટ ગામે આજે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે . ગામમાં વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી . જેને લઈ બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો . જેથી ત્રણ પોલીસકર્મીને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે . કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા . લગ્નમાં અન્ય સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં ઠાકોર સમાજના યુવકે વરઘોડો કાઢ્યો હતો . જેને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી . આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ દરમિયાન ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો . આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા ત્રણ પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી . ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક પ્રથમ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

આ હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો . પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ અંગે *જિલ્લા પોલીસ વડાએ* જણાવ્યું હતું કે , કુપટ ગામે આજે બેતાલીસ ઠાકોર સમાજમાંથી એક પરિવારના લગ્ન હતા . તેમાં યુવકનો વરઘોડો નીકળી રહ્યો હતો . જેમાં પોલીસ બંદોબસ્ત પણ રાખેલો હતો . સામે પાલવી ઠાકોરો હતા એમને એવું લાગ્યું હતું કે , આ વરઘોડો આ જગ્યાએથી ના નીકળવો જોઈએ જેથી કરીને ગામ લોકોના માણસો ભેગા થયાં હતા . જેમાં એક નાનો પથ્થરમારો થતા પોલીસની બે ગાડીના કાચ તૂટેલા છે . હાલમાં પરિસ્થિતિ ખુબ શાંત છે જે લોકોએ પથ્થર મારો કર્યો હતો એમની પોલીસે અટકાયત કરી છે એના પર ગુનો પણ નોંધવામાં આવ્યો છે . હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે . વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે , પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં જે લોકોને પથ્થર લાગ્યો હતો તેઓને પણ ખાસ કોઈ ઈજા થઈ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here