છોટાઉદેપુરમાં રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર  :-

સરકારે “જ્યાં નાગરિક, ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે ત્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ગુણસદા ખાતેથી “વિશ્વ આદિવાસી દિવસ”નો શુભારંભ કરાવ્યા બાદ દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ છોટાઉદેપુર સહિત રાજ્યમાં સૌએ નિહાળ્યું.

રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જીલ્લા એવા છોટાઉદેપુર જીલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર ખાતે કેબીનેટ કક્ષાના રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ અધ્યક્ષતામાં સમારંભ યોજવામાં આવ્યો હતો. વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીની અધ્યક્ષતામાં તથા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામીનારાયણ હોલમાં વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
મંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ દરેક આદિવાસીનો ચિતાર જાણી લીધો હતો કોઈ નેતા એવો નથી હોતો કે તેમને આ સમાજ વિષે બધી ખબર હોય. તેમની નેમ હતી કે જંગલને બચાવનારો આ વર્ગ મુખ્ય ધારામાં કેવી રીતે આવે. ખેડૂત હોય તો તેમને ખેતી વિષયક સહાય મળે, કારીગર હોય તો તેમને ઓજારો વિષયક સહાય મળે. સૌ પ્રથમ બાજપાઈ સરકારે આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી, જેથી આ સમાજને સૌથી મહતમ લાભ આપી શકાય. વન બંધુ પેકેજ હેઠળ સિકલ સેલને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વિભાગ બનાવવામાં આવ્યો છે. આ આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ શહીદી વ્હોરી બલિદાન આપ્યા છે. જેમાંના બિરસા મુંડા, તાત્યા ભીલે પણ પોતાનું આગવું યોગદાન આપ્યું છે. સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી અને ગુરુ ગોવીંદસિંહ યુનીવર્સીટી બનાવવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી શકશે, તેમજ સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાથરી ઊર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પુરી પાડી રહી છે.
કૃષિમાં વૈવિધ્યકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું આયોજન કરવામાં આવે છે. જેના થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેના માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથોસાથ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્યપ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોના લોકોનો સંતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌ એકત્ર થયાં છીએ ત્યારે આદિવાસી સમાજ વધુ સંગઠીત બને, વધુ ઉન્નતિ પામે અને “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્રના માર્ગે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું.

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આદિવાસી દિન નિમિતે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ૧૯૯૪ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૯ ઓગષ્ટને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” જાહેર કર્યો ત્યારથી દર વર્ષે ૯ મી ઓગષ્ટના દિવસને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આદિવાસીના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ અનેકવિધ સહાય યોજનાઓ આપવા સરકાર કટિબદ્ધ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીના વિકાસ માટે સતત પ્રયત્નો કરેલા છે. તેમણે ન કેવળ વિસ્તારનો વિકાસ કાર્યો પરંતુ આદિવાસી પ્રજાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેમાં સંસ્કૃતિક આર્થિક અને રમતગમત ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસના કાર્યો કર્યા છે.

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ગુણસદા ખાતેથી રાષ્ટ્રીયકક્ષાના “આદિવાસી દિવસનો” કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જીવંત પ્રસારણને ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતો. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રગતિશીલ પશુપાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, કલાકારો સહિત રમતવીરોને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here