કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે સ્થિત લસ્સી સેન્ટર પર લસ્સી પીવા માટે આડેધડ થતા પાર્કિંગને કારણે હાઈવે ટ્રાફિક પ્રભાવિત

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

લસ્સી સેન્ટર પર આડેધડ ફેંકાતા પ્લાસ્ટિક ગ્લાસને કારણે સ્વચ્છતા અભિયાનના પણ ધજાગરા

કાલોલ શહેરમાં આવેલા બસ સ્ટેશન સામે મુખ્ય હાઈવે પર આવેલી એક લસ્સી સેન્ટરની દુકાન‌ પર લસ્સી પીવા માટે દિવસભર ગ્રાહકોનો ધસારો જોવા મળે છે, જેથી હાઈવે પર આવતા જતા વાહન ચાલકો હાઈવે પર જ આડેધડ પાર્કિંગ કરીને લસ્સી પીવા માટે ઉભા રહે છે જેના કારણે હાઈવે પરનો ટ્રાફિક પ્રભાવિત થતાં ઘણીવાર બસ સ્ટેશન સામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે પર જ દુકાનોની હારમાળા આવેલી છે તદ્ઉપરાંત હાઈવે પર ખાનગી પેસેન્જર વાહનોનું સ્ટોપેજ પણ‌ આ ત્રિભેટે આવેલું છે જે મધ્યે ઉનાળાની ઋતુમાં લસ્સી સેન્ટરની દુકાન‌ પર લસ્સી પીવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળે છે. આમ ખાનગી વાહનો અને લસ્સી પીવા માટે ઉભા રહેતા વાહનચાલકો પણ હાઈવે પર ઉભા રહી જતા હોવાથી આડેધડ પાર્કિંગ કરવાની કુટેવો‌ બેવડાતી જોવા મળે છે જેને કારણે હાઈવે પરનો નિયમિત ટ્રાફિક ખોરવાઈ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા રહે છે. તદ્ઉપરાંત હાઈવે સ્થિત આ લસ્સી સેન્ટર પર લસ્સી પીવા માટે‌ બેફામપણે પ્લાસ્ટિક ગ્લાસના વપરાશને કારણે ઘણા ગ્રાહકો લસ્સીના જુઠા પ્લાસ્ટિક ગ્લાસ રસ્તા પર ફેંકીને જતા રહેતા હોવાથી માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે અને બીજી તરફ લસ્સી સેન્ટર પર વપરાતા પાણીનો બગાડ પણ નજીકની ગટરલાઇનમાં ખુલ્લેઆમ થતો હોવાથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળે છે. જેને પગલે ગટરલાઇન સંલગ્ન લસ્સીજન્ય માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ખુલ્લેઆમ વેચાતી લસ્સી પીવાની કુટેવોને કારણે આરોગ્ય અને ગુણવત્તા અંગે સવાલો ઉભા કરે છે.
જેથી કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે પર આવેલા લસ્સી સેન્ટર સ્થિત હાઈવેને પ્રભાવિત કરતા આડેધડ વાહન પાર્કિંગ અને સ્વચ્છતાના નિયમન માટે જવાબદાર તંત્ર દ્વારા બેફામ બની રહેલી બદી સામે સત્વરે અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે સ્થિત લસ્સી સેન્ટર પાસે હાઈવેના ટ્રાફિક પ્રભાવિત કરતા આડેધડ વાહન પાર્કિંગના દ્રશ્યો તસવીરોમાં દ્રશ્યમાન થાય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here