પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી ૭મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે

બાળકના સર્વગ્રાહી વિકાસ માટે છ માસ સુધી માત્ર માતાનું દૂધ આપવા અંગે સમજણ અપાશે

કોરોના કટોકટીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા, રેડિયો-ટીવી કાર્યક્રમો મારફતે જાગરૂક કરાશે

ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા આવતીકાલથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થશે. આ ઉજવણી વર્ષ-૨૦૨૦ની થીમ ‘સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે’ આધારિત રહેશે. આ ઉપરાંત લોકોમાં પર્યાવરણ જાળવવાના ઉદારહણ સાથેના ‘અનોખા બંધન-એક કદમ પ્રકૃતિ તરફ’ વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે નવજાતને સ્તનપાનથી થતાં ફાયદા વિશે પ્રેરિત કરવાની પહેલ કરવામાં આવી છે. આ સ્તનપાન સપ્તાહ અંતર્ગત તમામ જિલ્લાઓમાં, તમામ સગર્ભાઓ જેની સંભવિત સુવાવડ તારીખ (EDD) તા.૧ થી તા.૭ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં થનાર હોય તેમજ આ અઠવાડિયામાં જન્મ લેનાર નવજાત બાળકોનાં કુટુંબને એક છોડ આપવામાં આવશે તેમજ નવજાત અને છોડનું સરખી રીતે ધ્યાન રાખવા માટે પણ સમજણ આપવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત થનારા વૃક્ષારોપણમાં છોડનાં રોપણ માતા અથવા પિતા દ્વારા કરાવવામાં આવશે. રોપણ પછી સામાજિક દૂરી સાથે કુટુંબને બાળક માટે સ્તનપાન અને તેનું મહત્વ શું છે તે અંગે, ખાસ કરીને બાળકના જન્મના એક કલાકમાં, અને ત્યારબાદ છ માસ સુધી સ્તનપાન સાથે ઉપરી આહારથી થતાં ફાયદાઓની સમજ આપવામાં આવશે. આ સાથે નવજાતને કોઇ પણ પ્રકારનું ઉપરનું દૂધ ન આપવા, ગાય, ભેંસ કે બકરીના દૂધ અથવા દૂધના પાઉડરનો ઉપયોગ ન કરવા માટે કુટુંબીજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્તનપાન વિશે જનજાગૃત્તિ માટે સમુદાય સાથે સોશિયલ મિડીયાના માધ્યમથી મોટા પાયા ઉપર જોડવામાં આવશે.

આ ઉજવણી દરમિયાન લાભાર્થી સાથે ટેલિફોનિક સંવાદ, પ્રસુતિ માટેની પૂર્વ તૈયારી અને સ્તનપાન અંગે સમજણ, રેડિયો મારફતે લોકોમાં સ્તનપાન વિષય પર જનજાગૃત્તિ માટે પ્રતિસ્પર્ધાનું આયોજન, ઘટક કક્ષાએ કાર્યક્રમો, પાલક વાલી દ્વારા નવજાત બાળકોના માતા તથા કુટુંબના સભ્યો સાથે ટેલિફોનિક વાર્તાલાપ, રેડિયો ઇન્ટરવ્યુ સહિતના કાર્યક્રમો યોજાશે. તા.૧ થી તા.૭ ઓગષ્ટ-૨૦૨૦ દરમિયાન જન્મેલા નવજાત બાળકોના ઘરે અને સગર્ભા કે જેની પ્રસુતિની સંભવિત તારીખ ૧ થી તા.૭ ઓગષ્ટ-૨૦૨૦ હોય તેને ત્યાં ૭મીએ વૃક્ષારોપણ કરવામાં આવશે.

સ્તનપાનના મહત્વ વિશે જાગરૂકતા પ્રસરાવવા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

બાળકને તેના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન કરાવવાથી માંડી તેને શરૂઆતના છ માસ સુધી ફક્ત સ્તનપાન કરવવામાં આવે તો બાળકના સ્વાસ્થ્ય માટે તે ઘણું ઉપકારક નીવડે છે. ભવિષ્યમાં બાળકને ૬ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવા આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે અને ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. એક નવજાત બાળકને જન્મનાં એક કલાકમાં માતાનું પહેલુ ઘટ્ટ પીળું દૂધ (કોલ્સટ્રમ) અતિઆવશ્યક હોય છે. ઉલ્લેખનીય છે કે, નવજાતને રોગ પ્રતિકારક શક્તિ વિકાસાવવા અને રોગો સામે લડત આપવામાં માતાનું પહેલુ ઘટ્ટ પીળું દૂધ (કોલ્સટ્રમ) ઘણું ઉપયોગી નીવડે છે. આથી જ દરેક બાળકને ૬ માસ સુધી ફકત માતાનું ધાવણ જ આપવું જોઇએ, તેવો નિષ્ણાંતોનો મત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here