સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર સાહેબની દુરંદેશી ને કારણે આજે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે – કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા

કેન્દ્ર સરકાર ના આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની દુરંદેશીતાના પરિણામે આજે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે તેમ જણાવી મંત્રી અર્જુન મુંડાએ વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાનો ઉત્તર આપશે અને પ્રેરણા પણ પુરી પાડશે તેમ ઉમેર્યું હતું.

કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા સહિત મ્યુઝીયમનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ નિહાળ્યું હતું. આ મુલાકાત વેળાએ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગભાઈ રાઠવા, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના સચિવ મુરલી ક્રિષ્ના, ગુજરાતના પૂર્વ આદિજાતિ અને વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, સ્થાનિક અગ્રણીઓ-પદાાધિકારીઓ પણ સાથે જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા મંત્રી એ નોંધ્યું હતું કે, આ મારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે કે આજે મેં સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીંયા સરદાર સાહેબના ભવ્ય જીવન સંઘર્ષ અને ભારતની એકતાનું અભૂતપૂર્વ નિર્માણ થયું છે. જેમાંથી આવનારી પેઢીને તેમની જિજ્ઞાસાનો ઉત્તર અને પ્રેરણા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને આવનારી પેઢી માટે એક ઉદાહરણરૂપ ભેટ આપી છે. આ રૂડા અવસરે અહીંના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ પ્રતિમાના નિર્માણમાં સહયોગ આપનાર ભારતવાસીઓને અને મૂર્તિકાર રામ સુતારજીને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. તેમજ SOU ઓથોરિટીના નાયબ કલેકટર શિવમ બારીયાએ મંત્રી અર્જુન મુંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી.

આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેશર-શો પણ તેઓએ નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here