સરકારી વિનયન કોલેજ શહેરાના ઉપક્રમે “નવી સુરેલી પ્રાથમિક શાળા”ખાતે ૭ દિવસની એન.એસ.એસ. શિબિરનો પ્રારંભ થયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરાની સરકારી વિનયન કોલેજ અંતર્ગત પ્રાથમિક શાળા નવી સુરેલી ગામે સરકારી કોલેજ શહેરાની “રાષ્ટ્રીય સેવા યોજના” (NSS) ની વાર્ષિક શિબિર તારીખ તા ૦૩-૦૩-૨૦૨૨ થી ૦૯-૦૩-૨૦૨૨ દરમિયાન થવા જઈ રહી છે. જેનો પ્રારંભ આજરોજ તા.૦૩-૦૩-૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યો હતો. આ શિબિરની મુખ્ય થીમ સરકારશ્રીના પાંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તથા પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ -જાગૃતિ” વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડો. વિપુલ ભાવસાર ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમણે પોતાના પ્રારંભિક વક્તવ્ય માં વિશેષ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રી સુરેશભાઈ સુથારે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. સાત દિવસીય શિબિર ના પ્રારંભિક કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર અને મીડિયા સેલ કન્વીનર ડૉ. અજય સોની વિશેષ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં એન.એસ.એસ ની સેવાકીય પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.અતિથિ વિશેષ તરીકે જિલ્લા સદસ્ય ડો. કિરણસિંહ બારીયાએ હાજરી આપી પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં ગામ લોકોને આ સેવાકીય પ્રવૃતિમાં સહયોગ આપવા જણાવ્યું તે ઉપરાંત સી.આર.સી રમેશ પરમાર, આચાર્યશ્રી ભાવસિંહ વણઝારા, શ્રી ભીખાભાઈ ખાટ, શ્રીમતી કપિલાબેન એમ. પટેલ શહેરા તાલુકા સદસ્ય એ વિશેષ હાજરી આપી હતી. ત્યારબાદ કોલેજના સિનિયર પ્રો. ડો. દિનેશ માછીએ રાષ્ટ્રીય સેવાકીય પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂક્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. મિનેશ હઠિલા દ્વારા કરવામાં આવ્યું હતું.અંતમાં કાર્યક્રમની આભારવિધિ પ્રા. લતાબેન બારૈયા એ કરી હતી.આજના શિબિરના પ્રારંભિક કાર્યક્રમમાં સુરેલી ના ગ્રામજનો, વડીલો, સ્કૂલના બાળકો, શિક્ષકો તથા કોલેજનો સમગ્ર સ્ટાફ જોડાયો તેથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here