શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાહ્ય મૂલ્યાંકન કરવાનો માર્ગદર્શન જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

NIEPA ની ગાઈડલાઈન મુજબ શાળાઓને સ્વ-મૂલ્યાંકન કરવાની કામગીરી ૩૦ નવેમ્બર સુધી પૂર્ણ કરવા સૂચના આપેલ હતી. શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન બાદ ત્રીજા ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવા જિલ્લા શિક્ષણાધિકારીના સંકલનમાં રહી જિલ્લાના નોડલ ઓફિસરે ત્રણ ત્રણ સભ્યોની ટીમ બનાવીને ક્રોસ કરવાનું રહેશે. પંચમહાલ જિલ્લાની ૭૩ શાળાઓમાં ગોધરા – ૨૦, શહેરા – ૧૪, કાલોલ – ૧૦, હાલોલ – ૮, ઘોઘંબા – ૯, જાંબુઘોડા – ૩ અને મોરવા હડફ – ૯ શાળાઓનો બાહ્ય મૂલ્યાંકન કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ સાહેબના અધ્યક્ષસ્થાને તેલંગ હાઈસ્કૂલ ગોધરા ખાતે માર્ગદર્શન વર્કશોપ યોજાયો. જેમાં તેમણે જણાવ્યું હતું કે બાહ્ય મૂલ્યાંકન શાળાના સ્વ-મૂલ્યાંકન આધારે ૩ સભ્યોની ટુકડી બનાવીને કરવામાં આવશે. જેમાં માધ્યમિક શાળાના શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મોડેલ શાળાના આચાર્ય, રાજ્ય પારિતોષિક શિક્ષક, માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્ય, ડાયટ લેક્ચરર, બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર, હેડ ટીચર અને માધ્યમિક શાળાના આચાર્યની પસંદગી કરવામાં આવશે. શાળાઓની ક્ષમતા અને સુધારણાને અવકાશ તેવા ક્ષેત્રો શોધવા, નવીનતાઓ, રચનાત્મક પ્રવૃત્તિ અને શ્રેષ્ઠ બાબતોને પ્રદર્શિત કરવી, શાળાના વિકાસ અને સ્થિર વૃદ્ધિ માટે શાળાને સહાયરૂપ બનવું, શાળા પ્રદર્શનની સમયાંતરે સુધારણા માટે તેની અગ્રિમતાઓ અને પ્રાથમિકતાઓને શોધીને સહાયરૂપ થવાની કામગીરી નોડલ ઓફિસર અને મૂલ્યાંકન ટીમ દ્વારા કરવામાં આવશે. તેના ડેટા બ્લોક એમ.આઈ.એસ. દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. મદ્રેસા અબ્બાસિયા હાઈસ્કૂલ લુણાવાડાના આચાર્ય બી.એમ.સીભાઈએ ડીઝીટલ ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરી તજજ્ઞની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એજ્યુકેશન ઈન્સ્પેકટર ગોધરા મેહુલભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા નોડલ અધિકારી તરીકે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારની નિયુક્તિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ દ્વારા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં કોવિડ – ૧૯ ની તમામ પ્રકારની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here