શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે મલ્હાર – ૨૦૨૨ ( વાર્ષિક દિવસ) નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સરકારી વિનયન કોલેજ શહેરા દ્વારા આયોજિત કોલેજના વાર્ષિક ઉત્સવ મલ્હાર કાર્યક્રમ ની તારીખ ૨૯-૦૩-૨૦૨૨ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી. પ્રસ્તુત કાર્યક્રમનો પ્રારંભ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી પ્રિન્સીપાલશ્રીએ તેમનું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કોલેજના વાર્ષિક મેગેઝિન “અયનમ” નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. પ્રસ્તુત મેગેઝિન માટે કોલેજના સિનિયર પ્રોફેસર ડૉ. ડી. આર. માછીએ કોલેજની ધ્યેય સિદ્ધ વિશેષતાઓ વિશે દિશા સૂચન કર્યું હતું. વર્ષ દરમિયાન બેસ્ટ પરફોર્મન્સ આપનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર નરેન્દ્ર બારીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને વિશેષ કારકિર્દી ઘડતર માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ સપ્તધારાની વિવિધ ધારાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બેસ્ટ પર્ફોમન્સ બદલ સર્ટીફીકેટ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આર. જે. માછી (નિવૃત્ત નાયબ નિયામક) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી (ગાંધીનગર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આગળ વધવા વિશેષ પ્રેરણા આપી હતી. મલ્હાર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી અને વડોદરા વિભાગ સંગઠક શ્રી લોકેશજી કેસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના દીક્ષાંત પ્રવચનમાં યુવાનોને પ્રેરણા સ્ત્રોત આશીર્વચનો આપ્યા હતા. યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ ,મહર્ષિ અરવિંદને યાદ કર્યા હતા. તે ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંચ પર ગીતો, નાટકો ,કવિતાઓ વગેરેની વિશેષ પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ભાષાના અધ્યાપકો ડૉ.કાજલ બેન પટેલ ડો. સંસ્કૃતિ બેન તથા ડો. દિપીકાબેને કર્યું હતુ.અંતમાં આભારવિધિ સાંસ્કૃતિક સમિતિ અને સપ્તધારા ના કો-ઓર્ડિનેટર પ્રોફેસર હિંમતસિંહ મકવાણાએ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ , તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેથી કાર્યક્રમ સફળ રહ્યો અને મલ્હાર -૨૦૨૨ વાર્ષિક ઉત્સવનું સફળ સમાપન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here