વિધાનસભાની ચુંટણી ઓને અનુલક્ષી નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગુજરાત મહારાષ્ટ્રને જોડતી સાગબારાનાં ધનશેરા ચેકપોસ્ટની મુલાકાત લીધી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચેકપોસ્ટ પર ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત ફ્લાઇંગ સ્કોડ, CAPF જવાનો અને પોલીસ જવાનો ની કામગીરીના સ્થળ નિરીક્ષણ સાથે ટીમોને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું

દેડિયાપાડા બેઠક માટે ચૂંટણી પૂર્વેની તમામ પ્રકારની કામગીરી અને વ્યવસ્થાઓ સંદર્ભે પૂર્વ તૈયારીઓ બાબતે ચૂંટણી અધિકારી ઓ સાથે બેઠક યોજી

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગઇકાલે તેમની દેડિયાપાડા અને સાગબારા તાલુકાની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૯-દેડિયાપાડા (અ.જ.જા) મત વિસ્તારની દેડિયાપાડા તાલુકાની બિતાડા અને શંભુનગર તેમજ સાગબારા તાલુકાની મહારાષ્ટ્રની સરહદને જોડતી ધનશેરા ખાતેની આંતરરાજ્ય ચેકપોસ્ટની મુલાકાત લઇ આ ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, CAPF જવાનો અને પોલીસ જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને આ ટીમોને સ્થળ પર જ જરૂરી સૂચનો સાથે શ્રીમતી તેવતિયાએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ મુલાકાતમાં દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ની સાથે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્ટાફ ડેટા બેઝના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, EVM/VVPAT મેનેજમેન્ટના નોડલ અધિકારી અને પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલ વગેરે પણ સાથે જોડાયાં હતાં.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ તેમની ગઇકાલની ઉક્ત મુલાકાત દરમિયાન તેઓશ્રીએ દેડિયાપાડા મોડેલ હાઇસ્કૂલ ખાતે ૧૪૯-દેડિયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની બેઠક માટેના મતદાન કેન્દ્રો માટે ચૂંટણીલક્ષી ફરજ ઉપર તૈનાત કરાનારા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે અધિકારી/કર્મચારી માટે યોજાયેલા તાલીમ વર્ગમાં પણ ખાસ પ્રેરક હાજરી આપીને તાલીમાર્થી અધિકારી/કર્મચારીઓને મતદાનના દિવસે જે તે મતદાન કેન્દ્રો ખાતે ફરજ પરના અધિકારીશ્રીઓએ બજાવવાની ફરજો અને જરૂરી વૈધાનિક ફોર્મની બાબતો ઉપરાંત EVM-VVPAT ના સંચાલન સહિતની ઝીણવટભરી જાણકારી સાથે વિસ્તૃત માહિતી પુરી પાડી માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here