રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાનાં ભાવથી ઘઉંની સીધી ખરીદી બાબત…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

લઘુત્તમ ટેકાનાં ભાવે વેચાણ કરવા 02 માર્ચથી 31 માર્ચ, 2022 સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015/-નાં ભાવથી ઘઉંની ખરીદી કરાશે

ખેડૂતોને તેઓનાં પાકનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2022-23માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનાં ભાવે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015/- (પ્રતિ મણ રૂ.403/-)નાં ભાવથી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાનાં ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તા.02.03.2022થી તા.31.03.2022 સુધી કરવામાં આવશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો-07/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનાં સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતનાં નામનાં બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાનાં ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમનાં ગોડાઊનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલની અખબારી યાદીમાં જણાવાયું છે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 28511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઈને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી, જેની ખાસ નોંધ લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here