રાજપીપળા પાસેના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અધ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સની ભેટ આપતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથેની આ એમ્બ્યુલન્સ થકી ૧૦ ગામના લોકોને આરોગ્યયલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે

નર્મદા જિલ્લાની એકદિવસીય મુલાકાતે પધારેલા વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત કરી હતી. મંત્રી એ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩માં રૂા.૨૩ લાખની ગ્રાન્ટ ફાળવણી થકી નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ વાન ફાળવી હતી જેનું વિદેશ મંત્રી ના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ, નાંદોદના ધારાસભ્ય, ગામના સરપંચ તેમજ આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.

એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની આ અધ્યતન એમ્બ્યુલન્સ થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાછરસની આસપાસમાં આવતા ૧૦ ગામોની અંદાજે ૨૦,૦૪૩ જેટલી વસ્તીને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહેશે. જેમાં સગર્ભા માતાઓની તપાસ, નવજાત શિશુઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા, દર્દીઓને ઓપીડી બેઝથી ઉચ્ચ કેન્દ્રો સુધી લઈ જવા, જુનારાજ, કમોદિયા જેવા પહાડી વિસ્તારોમાં ઓપીડી સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોમ વિઝિટ સેવા તેમજ ડોકટરો અને સ્ટાફની ટીમ દ્વારા કટોકટીની સેવા અને આપત્તિ વ્યવસ્થાપન તેમજ નર્મદા પરિક્રમા સમયે આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં મદદરૂપ થશે.

લાછરસ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી વિદેશ મંત્રી એ ત્યાં અપાતી આરોગ્ય લક્ષી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવી રહેલી કામગીરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી પુરી પાડી હતી. એમ્બ્યુલન્સના લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ લાછરસ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી.

નર્મદા જિલ્લાના દિવસ દરમિયાનના પ્રવાસ અંગે માધ્યમો સાથે સંવાદ કરતા જિલ્લામાં થઈ રહેલા વિકાસ કાર્યો અને પ્રાવસનની પ્રસંશા કરી ખૂશીની લાગણી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી ની આ મુલાકાત વેળાંકેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી રવિકુમાર અરોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી ઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here