મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બોલીવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમને યોજેલી રાષ્ટ્રીય એક્તા દોડનું તા.૨૧ મી ઓગષ્ટે સાંજે પ્રતાપનગર ખાતેથી નર્મદા જિલ્લામાં થનારૂં આગમન

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા ભવ્ય સ્વાગત સાથે અપાશે ઉમળકાભર્યો આવકાર

જિલ્લાના વિવિધ ગામો અને રાજપીપલા શહેરના વિવિધ સ્થળોએ પણ સ્વાગત-અભિવાદન કરાશે : ગોરા ગામ ખાતે SOUADATGA ના CEO તરફથી ભવ્ય સ્વાગત-આવકાર અપાશે

જિલ્લા પ્રસાશન દ્વારા શ્રી મિલિંદ સોમન ની રાષ્ટ્રીય એક્તા દોડના જિલ્લામાં આગમન-કાર્યક્રમ સંદર્ભે ઘડી કઢાયેલું સુચારૂં આયોજન

ભારતીય ફિલ્મ જગત-બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી શ્રી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી રાષ્ટ્રીય એક્તા દોડ અંતર્ગત વિવિધતામાં એક્તાનો પ્રેરક સંદેશ આપતી તેમની આ રન ફોર યુનિટીના ભાગરૂપે શ્રી મિલિંદ સોમને તા.૨૧ મી ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે અને જિલ્લામાં નિયત સ્થળે રાત્રી રોકાણ બાદ તા.૨૨ મી ઓગષ્ટ,૨૦૨૧ ને રવિવારના રોજ સવારે કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરશે.

નર્મદા જિલ્લામાં શ્રી મિલિંદ સોમનેના આગમન સમયે અને ત્યારબાદ બીજે દિવસે કેવડીયા તરફના પ્રસ્થાન અને રાજપીપલા શહેર તથા જિલ્લાના વિવિધ સ્થળોએ તેમજ ગોરા ગામ ખાતે જિલ્લા પ્રસાશન, કેવડીયા-SOUADATGA તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તેમના સ્વાગત સાથેના આવકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાત સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, પ્રોટોકોલના નાયબ કલેક્ટરશ્રી બી.એ.અસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, SOUADATGA ના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, રમત-ગમત વિભાગના સીનીયર કોચ શ્રી વિષ્ણુભાઇ વસાવા સહિતના અન્ય સંબધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉક્ત બાબતે જરૂરી ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન પુરૂં પાડવા સાથે સુચારૂં આયોજન ઘડી કઢાયું છે અને આ બાબતે સંબિધતોને સોંપાયેલી જવાબદારીઓ સુપેરે નિભાવવા સૂચના આપવામાં આવી છે.

રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન શ્રી સોમને એક્તા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એક્તાનો સંદેશ આપવા કર્યુ છે.

વિવિધતામાં એક્તાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્યપ્રેમી શ્રી મિલિંદ સોમનેની આ રન ફોર યુનિટી તા.૨૧ મી ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ સાંજના ૪:૩૦ કલાકે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે આગમન સાથે જિલ્લામાં પ્રવેશસમયે જિલ્લા પ્રસાશન તરફથી અને સાંજના ૫:૦૦ કલાકે ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરી ખાતે તેમના સ્વાગત સાથે આવકાર અપાશે. નિયત સ્થળે તેમના રાત્રિ રોકાણ બાદ તા.૨૨ મી ઓગષ્ટ,૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૭:૦૦ કલાકે આમલેથા ગામ ખાતે આમલેથા પોલીસ અને ગામ આગેવાનો દ્વારા, સવારે ૯:૩૦ કલાકે રાજપીપલા શહેરના પ્રવેશદ્વાર વિજય ચોક ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા તેમજ સવારે ૯:૪૫ કલાકે ડૉ.આંબેડકર ચોક ખાતે વૈષ્ણવ વણીક સમાજ દ્વારા, સવારે ૧૦:૧૦ કલાકે સંતોષ ચાર રસ્તા પાસે રોટરી ઇન્ટરનેશનલ કલબ દ્વારા, સવારે ૧૦:૩૦ કલાકે ગાંધી ચોક ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડીયા, રાજપીપલા દ્વારા તથા બપોરે ૧૨:૩૦ કલાકે જિલ્લાના ગોપાલપુરા ગામે અને બપોરે ૦૧:૩૦ કલાકે ફુલવાડી ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા તેમજ સાંજે ૦૪:૦૦ કલાકે ગોરા ગામ ખાતે SOUADATGA ના CEO શ્રી રવિશંકર દ્વારા અને સાંજે ૦૪:૩૦ કલાકે વાગડીયા ગામ ખાતે જનરલ મેનેજરશ્રી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્વાગત કરાશે. ત્યારબાદ સાંજે ૦૫:૦૦ કલાકે કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે અને ત્યાંથી શ્રી મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને માધ્યમો સાથે સંવાદ કરશે.

           
              

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here