પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનમાં નારી શક્તિને જોડવા રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડાંગ જીલ્લામાથી પ્રેરણા લઈને આદિવાસી પ્રભુત્વ ધરાવતા અન્ય જિલ્લાઓ પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, અને મહીસાગર જિલ્લાની મહિલાઓએ ભાગ લીધો

પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન પણ થશે તો ધરતી પર સ્વર્ગ જેવું ઘર બનશે

પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા ગુજરાતની નારી શક્તિને જોડવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, અને મહીસાગર જિલ્લાની મહિલાઓએ પરિસંવાદમાં ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે, ડાંગ જિલ્લો વિશુદ્ધ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે. ડાંગ જિલ્લામાંથી પ્રેરણા લઈને રાજ્યના આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા તમામ જિલ્લાઓ પણ સો એ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રકૃતિની વ્યવસ્થામાં આપણો સહયોગ એ જ સાચી ઈશ્વર પૂજા છે. રાસાયણિક ખેતીથી આપણે ધરતીનું સંતુલન બગાડી રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતી ધરતીના સૂક્ષ્મ જીવાણું અને અળસિયા જેવા મિત્ર કીટકની વૃદ્ધિ કરવાની પદ્ધતિ છે, જેનાથી ધરતીની ઉત્પાદન ક્ષમતા વધે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી આપણે ધરતીના સૂક્ષ્મ જીવો અને અળસિયાનો નાશ કર્યો છે. પરિણામે ધરતીનું ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી પણ ઓછું થઈ ગયું છે. ભૂમિ વેરાન થઈ ગઈ છે. અગાઉ અઢી એકર જમીનમાં ૧૩ કિલો યુરિયા / ડીએપી નાખતાં ખેતી થઈ શકતી હતી. હવે અઢી એકરમાં ૩૦૦ કિલો યુરિયા /ડીએપી જેવા રાસાયણિક ખાતર નાખ્યા પછી પણ ઉત્પાદન ઓછું મળી રહ્યું છે.

રાજ્યપાલે સમજાવ્યું કે, સો કિલોગ્રામ રાસાયણિક ખાતર ધરતીમાં નાખીએ તે પૈકી ૩૦ થી ૩૩ % જ ખેતપેદાશ ગ્રહણ કરે છે. બાકીનો ભાગ હવામાં ભળી જાય છે અને પાણી સાથે ભૂમિમાં ઉતરી જાય છે. પરિણામે જળવાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાય છે. હવામાં ભળતું યુરિયા કાર્બનડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણું વધારે ખતરનાક છે. ગ્લોબલ વોર્મિંગ માટે રાસાયણિક ખેતી ૨૪ % જવાબદાર છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સથી ખેત ઉત્પાદનો ઝેરીલા બન્યા છે. એ આરોગવાથી જીવલેણ રોગ વધ્યા છે. આ તમામ પરેશાનીઓમાંથી બહાર આવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એકમાત્ર ઉપાય છે અને એ માટે મહિલાઓ મોટું યોગદાન આપી શકે તેમ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલાઓને પ્રાકૃતિક ખેતી કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા અને કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ ઘર આંગણે વિનામૂલ્યે આપવામાં આવી રહી છે, તેનો લાભ લઈને પૂરી પ્રમાણિકતા અને પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરો. પોતાનું મોડેલ ફાર્મ તૈયાર કરો અને અન્ય મહિલાઓ-ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરો. પ્રાકૃતિક ખેતીથી ભૂમિ ઉપજાઉ બનશે. પહેલા જ વર્ષે યોગ્ય ઉત્પાદન મળશે અને વર્ષો વર્ષ ઉત્પાદન વધતું જશે. ઉત્પાદન ખર્ચ ઓછો થતો જશે અને ખેતપેદાશોનું મૂલ્ય પણ વધતું જશે, એટલે આવક પણ વધશે. લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. પર્યાવરણ સુધારશે, આવનારી પેઢી આશીર્વાદ આપશે.

પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે એમ કહીને રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન પણ થશે તો ધરતી પર સ્વર્ગ જેવું ઘર બનશે. ઓછી મહેનતે વધુ ઉત્પાદન આપતી પ્રાકૃતિક ખેતી સમૃદ્ધિનો માર્ગ છે.

પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદના પ્રારંભે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ‌ મનીષ બંસલે સ્વાગત ઉદ્ભોધનમાં કહ્યું હતું કે, જંગલ જમીન અને જીવન સાથે જોડાયેલી આદિવાસી બહેનો પ્રાકૃતિક ખેતી અપનાવે અને આ અભિયાનને આગળ ધપાવે એ વર્તમાન સમયની માંગ છે.

આ અવસરે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ અવસરે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચના ડાયરેક્ટર પ્રોફેસર નિશા પાંડે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રવિના અમીપરા, ડૉ. દ્રષ્ટિ પટેલ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહિલા આગેવાનો શ્રીમતી જશીબેન પરમાર, શ્રીમતી રંજનબેન તડવી અને શ્રીમતી સોનાબેન પટેલ તથા કૃષિ સખી અને પશુ સખી બહેનો, કૃષિ અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી આગેવાન મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here