પ્રકાશના પર્વ દિવાળીને સલામતી અને સાવચેતીથી ઉજવવા અનુરોધ: “દીપાવલી પ્રકાશનો પર્વ છે જેથી ધુમાડા કે અવાજથી તેને દૂષિત ન કરીએ.”

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

સલામત દિવાળી માટે ફટાકડા ફોડતી વખતે વિશેષ ધ્યાન રાખવું

દિવાળી પર્વને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર અને નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.ડી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તેમજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અર્થે ડિઝાસ્ટર અવેરનેસ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો છે.

સંદેશમાં સાવચેતીના પગલાં સૂચવવામાં આવ્યા છે. જે અંતર્ગત દિવાળીના પર્વ પર બાળકોએ વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા. સૂકી રેતી અથવા પાણીની બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા. ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા. ફટાકડાને અગરબત્તીથી કે તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા. ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું. જો ફટાકડા ન સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું. ફટાકડાના બોકસ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું. જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય ત્યારે થોભીને ફટાકડાને દૂર કરવા અને જમીન પર આળોટવું. જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળવો. જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાંખવું અને યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોકટરનો સંપર્ક કરવો.

સંદેશમાં કેટલીક વિશેષ તકેદારી રાખવા પણ જણાવાયું છે. જેમાં જણાવ્યા અનુસાર નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું. ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા. પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા. રસ્તા ઉપર કે અન્ય કોઇ જાહેર સ્થળ ઉપર ફટાકડા ન ફોડવા. ફટાકડાને કયારેય હાથમાં પકડીને ફોડવા નહિ. ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ. કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ. ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/લાંબા વસ્ત્રો પહેરવા નહિ. સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ. રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું. ફટાકડાને કારણે આંખમાં ઇજા થઇ હોય તો આંખો મસળવી નહિ. તાત્કાલિક આંખોના નિષ્ણાતનો સંપર્ક કરવો. આપત્તિના સમયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તેમજ પોલીસ,ફાયર વગેરેનો સંપર્ક કરવો તેમ નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here