પાટણ : જીવલેણ અકસ્માત નિવારવા ખળી ચાર રસ્તાથી કાકોશી ચાર રસ્તા સુધીના સિદ્ધપુર હાઈવે પર સ્પીડ બ્રેકર્સ બનાવી ડિવાઈડર પર પ્રોટેકશન ગ્રીલ નંખાય તેવી પ્રબળ માંગ…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

મહેસાણા-પાલનપુર સિકસ લેન હાઈવેનું કામ હાલમાં વલ્ડબેંકના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ પૂરજોશ માં ચાલી રહ્યું છે.સિદ્ધપુર શહેર મધ્યેથી પસાર થતા આ સિક્સલેન હાઈવે ઉપર જીવલેણ અકસ્માતો નિવારવા ખળી ચાર રસ્તા થી કાકોશી ચાર રસ્તા સુધી માં સત્વરે સ્પીડબ્રેકર્સ (બમ્પો) બનાવાય તેમજ ડિવાઈડર ઉપર પ્રોટેકશન ગ્રીલ નાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.ખળી ચાર રસ્તા ઉપર થોડા દિવસ અગાઉ એક ટ્રક (મીક્ષચર)પલટી ખાઈ ગઈ હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.ટાઉન મધ્યેથી પસાર થતો ઉપરોક્ત હાઈવે જીવલેણ અકસ્માત માટે અતિ સંવેદનશીલ ગણાય છે.આ નવીન બનેલા હાઈવે પર સ્પીડ બ્રેકર્સના અભાવે વાહનો પુરઝડપે જોખમકારક રીતે દોડી રહ્યા છે.શહેરી વિસ્તાર હોવાથી લોકલ વાહનચાલકો પણ મોટી સંખ્યામાં આ હાઈવેનો આવનજાવન માટે ઉપયોગ કરતા હોય છે.અહીં ખળી ચાર રસ્તા,બિંદુ સરોવર, ખોલવાડા(જીઈબી),દેથળી,આઈઓસી(તાવડીયા) સહિત કાકોશી ચાર રસ્તા સુધી બન્ને તરફ સત્વરે ત્રણ -ત્રણ લાઈનવાળા સ્પીડ બ્રેકર્સ બનાવવાની માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત બિંદુ સરોવરથી કાકોશી ચાર રસ્તા સુધીના હાઈવે ઉપર રખડતા પશુઓ રોડ ઉપર જ અડીંગો જમાવી બેસતા હોવાથી તેમનો રંજાડ વધી જવા પામ્યો છે આવા રખડતા ઢોરો સહિત રાહદારીઓ ઉપરાંત નાના વાહનચાલકો પણ જીવના જોખમે મનફાવે તે રીતે બિન્દાસ બની ડિવાઈડર કૂદીને હાઈવેરોડ ક્રોસ કરતા હોવાથી અકસ્માતની ભીતિ સતત સેવાતી હોય છે.આથી ભવિષ્યમાં આવા નાના-મોટા અકસ્માત નિવારવા માટે બિંદુ સરોવર થી લઈ કાકોશી ચાર રસ્તા સુધીના બન્ને તરફના સર્વિસ રોડ તેમજ મુખ્ય હાઈવેના ડિવાઈડરો ઉપર પ્રોટેકશન ગ્રીલ નાખવામાં આવે તે જરૂરી છે.આ ઉપરાંત રાત્રી દરમિયાન વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ ના પડે તે માટે જેતે જગ્યા એ રેડિયમ લાઈટો-પટ્ટીઓ લગાડાય, અકસ્માત નિવારવા દિશાચિહ્નન તેમજ સ્પીડલીમીટ સહિત લોકલ સ્થળોના નામ દર્શવતા બોર્ડ સત્વરે લગાડવામાં આવે તે પણ જરૂરી છે.અત્રે નોંધનીય છે કે શહેરી વિસ્તારમાં ઓવર સ્પીડ દોડતા ભારે વાહનો બિંદુ સરોવર તેમજ ગોકુલ યુનિ.ના પીકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જઈ તેને જમીનદોસ્ત કરી દીધા હોવાના કિસ્સા ઓ પણ ભૂતકાળમાં બનવા પામ્યા છે.આ ઉપરાંત દેથળી ચાર રસ્તા થી ફુલપુરા સુધી હાઈવેના બન્ને તરફ અગમ્ય કારણોસર સર્વિસ રોડ બનાવાયો નથી.આથી અહીં સ્થાનિક તંત્ર દ્વારા જાહેરમાર્ગ ખુલ્લો કરાવી બન્ને તરફ સર્વિસ રોડ બનાવાય તેવી વાહન ચાલકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here