પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે “મેરી મિટ્ટી મેરા દેશ”કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે શિલાફલકમ થકી કરાશે વીરોને વંદન

પંચમહાલ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે,જીલ્લાના ૬૫૬ ગામોમાં ઉજવાશે કાર્યક્રમ

જિલ્લાની ૫૨૫ ગ્રામ પંચાયતો દીઠ વીર શહીદોના નામ સાથે લગાવાશે શિલાફલકમ,૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે

જિલ્લામાં કુલ ૮૯ અમૃત સરોવર,૩૩૪ ગામ તળાવો,૩૬ પંચાયતની ઘરની પાસે,૬૬ શાળાઓ ખાતે કુલ મળી ૫૨૫ ગ્રામ પંચાયતો દીઠ ૩૯૩૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે.

અમૃત સરોવરો સહિતનાં જળાશયો પાસે,શાળાના મેદાનમાં, પંચાયત ખાતે અને મંદિરના પ્રાંગણમાં શિલાફલકમનું નિર્માણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા,સેલ્ફી અપલોડ અને રાષ્ટ્રધ્વજ ફરકાવશે

૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે,૧૬ થી ૨૦ સુધી તાલુકા કક્ષાએ તથા ૩૦ ઓગસ્ટે કર્તવ્યપથ,દિલ્હી ખાતે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમ સંદર્ભે આજરોજ ગોધરા સ્થિત કલેકટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
પંચમહાલ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ,જીલ્લાના અધિકારીશ્રીઓ/પદાધિકારીઓ અને વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા દ્વારા આગામી સમગ્ર કાર્યક્રમ વિશે પ્રેઝન્ટેશનના રૂપે માહિતી રજૂ કરાઈ હતી.
જેમાં આગામી તારીખ ૯ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ સુધી “મેરી મિટ્ટી, મેરા દેશ”કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની ૫૨૫ ગ્રામ પંચાયતો અને ૧૩૧ ગામો મળી કુલ ૬૫૬ ગામોમાં વીરોને નમન કરવાના હેતુથી દરેક પંચાયતમાં શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં અમૃત સરોવરની આસપાસ આ તકતી મૂકવામાં આવશે.જિલ્લામાં જળાશયો ઉપલબ્ધ ન હોય ત્યાં પંચાયત કચેરી, શાળા પાસે તકતી મૂકવામાં આવશે. જેમાં સ્થાનિક વીરોના નામ અંકિત કરવામાં આવશે. આ તકતીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ સહિતની વિગતો હશે.
પંચમહાલ જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.જિલ્લાની ૫૨૫ ગ્રામ પંચાયતો ખાતે પાંચ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.જ્યારે ૧૩૧ ગામોમાં ચાર થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.
થીમ પાંચ અને ચાર અંતર્ગત બહાદુર વીરોની સ્મૃતિમાં સ્મારક, પંચપ્રણની પ્રતિજ્ઞા,વેબસાઈટ પર સેલ્ફી અપલોડ,દરેક સ્થાને ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર, વિરોના પરિવારનું સન્માન અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
દરેક ગામેથી તા.૧૬ ઓગસ્ટ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમ અન્વયે દરેક ગ્રામપંચાયતથી માટી યોગ્ય પાત્રમાં એકત્રિત કરીને કળશ દ્વારા લાવવામાં આવશે.વૃક્ષારોપણ માટે જિલ્લામાં કુલ ૪૬ નર્સરી નક્કી કરાઈ છે.
પંચમહાલ જિલ્લામાં સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.ટી.મકવાણાની નિમણૂક કરાઈ છે.જ્યારે તાલુકા અને ગ્રામપંચાયતો ખાતે પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે.જિલ્લામાંથી ૬૦ થી વધુ શહીદ પરિવારના સભ્યોનું જાહેરમાં સન્માન કરાશે.
જિલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તા.૧૬ ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક જાફરાબાદ ખાતે તથા તાલુકા પંચાયત હાલોલ ખાતે કાર્યક્રમ યોજાશે.તા.૧૭ ઓગસ્ટના રોજ મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, જાંબુઘોડા ખાતે તા.૧૮ ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી,કાલોલ અને ઘોઘંબા ખાતે, ૧૯ ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી,શહેરા અને ૨૦ ઓગસ્ટના રોજ મોરવા હડફ તળાવ પાસે કાર્યક્રમ યોજાશે.આ સાથે તમામ તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત ખાતેથી આવેલ કળશ એકત્રિત કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયત અંતર્ગત ૮૯ અમૃત સરોવર,૩૩૪ ગામ તળાવો પાસે,૩૬ પંચાયતની ઘરની પાસે, ૬૬ શાળાઓ ખાતે કુલ મળી ૫૨૫ ગ્રામ પંચાયતો દીઠ ૩૯૩૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે.પંચમહાલ જિલ્લાના કુલ સાત તાલુકા દીઠ ૧ એમ કુલ ૭ યુવા પ્રતિનિધિ કળશ લઈને આગામી ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ મહોત્સવ ખાતે રવાના થશે અને ૩૦ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે ફિનાલે મહોત્સવમાં ભાગ લેશે.
આજની આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી નિમિષાબેન સુથાર,શ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, કાર્યક્રમના નોડલ અધિકારીશ્રીઓ,પ્રાંત અધિકારીશ્રીઓ,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિન પટેલ,શ્રી મયંક દેસાઈ સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ/પદાધિકારીઓ અને વિવિધ મહાનુભાવો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here