પંચમહાલ જિલ્લામાં ૩૦ સ્ટોલ સાથે સાતેય તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

રાજ્યના તમામ તાલુકાઓમાં આગામી ૨૪ અને ૨૫ નવેમ્બર  ૨૦૨૩ના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાશે

પંચમહાલ જિલ્લામાં કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં તા.૨૪.૧૧.૨૦૨૩ અને તા.૨૫.૧૧.૨૦૨૩ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં આ સમય દરમિયાન તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે,જિલ્લાના સાતેય તાલુકાઓમાં અલગ અલગ સ્થળો ખાતે કાર્યક્રમ યોજાશે.દરેક કાર્યક્રમ સ્થળે ૩૦ સ્ટોલ લગાવવામાં આવશે જેમાં ૧૫ સ્ટોલ કૃષિ,બાગાયત,બીજ નિગમ,એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વગેરેના હશે જ્યારે ૧૫ સ્ટોલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ અંગે હશે.જિલ્લાના નાગરિકો આ સ્ટોલ ખાતે સરકારી સેવાઓનો લાભ લઈ શકશે.

તાલુકા કક્ષા ઉપરાંત,પ્રાકૃતિક કૃષિનો વ્યાપ જ્યાં વધુ છે તે પ્રાકૃતિક કૃષિના ક્લસ્ટરમાં તથા પિયતના નવા સોર્સ ઉપસ્થિત થયેલ હોય તેવા સ્થળે પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાશે.રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ના આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે. તેમજ બીજા દિવસે બહોળા પ્રમાણમાં ખેડૂતો પ્રદર્શનનો લાભ લે તે હેતુસર પ્રદર્શન ખુલ્લુ રાખવામાં આવશે તથા ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે જેની અમલવારી નિયામકશ્રી આત્મા દ્વારા કરવામાં આવશે.

રાજ્યભરમાં સદર કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી,મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યશ્રીઓ હાજર રહેશે.કાર્યક્રમનો સમય સવારે ૦૭:૩૦ કલાકે થી સાંજે ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે.મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને મંજુરીપત્રો/સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.આત્મા દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવામાં આવશે.

કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને શ્રી અન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી,ખેતી પાકોમાં ઇથેનોલના ઉત્પાદન,બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી આપવામા આવશે.જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમની માહિતી આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મુકેશ પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારિશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here