પંચમહાલ કાલોલના વેજલપુર પોલીસ મથકે ભ્રષ્ટાચારના કથિત આરોપ સાથે તપાસના કામે લવાયેલ આરોપીની તબિયત લથડતાં સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઘટના અંગેની જાણ વાયુ વેગે ફેલાતા વેજલપુર પોલીસ મથકે લોકટોળા ઉમટ્યા

પરિસ્થિતિની ગંભીરતા જોતા આ કામની તપાસ ડીવાયએસપી ગોધરાને સોંપવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લા જમીન વિકાસ નિગમમાં ક્ષેત્રીય અધિકારી તરીકે ફરજ બજાવતા અને હાલ વય નિવૃત્ત થયા બાદ વેજલપુર ઘાંચીવાડ માં સ્થાયી થયેલ યુસુફ અબ્દુલ રહેમાન ભીખા ના જે તે સમયના કાર્યકાળ દરમ્યાન વલસાડના ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં થયેલા લોકહિતના કામો મધ્યે ચાલતી સરકારી યોજનાઓ અંતર્ગત ખેત તલાવડી અને પાણી સંગ્રહના ટાંકાઓ બનાવમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સાથે વલસાડ ડાંગ જિલ્લા એન્ટી કરપશન બ્યુરો દ્વારા ચાલતી તપાસમાં તેઓનું નામ ખુલતા પંચમહાલ એસીબી ટીમે વેજલપુર પોલીસને સાથે રાખી આજે વહેલી સવારથી જ કથિત આરોપીના રહેઠાણના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પંચમહાલ એસીબી ટીમના વ્યાપક સર્ચ ઓપરેશન દરમ્યાન આરોપીના ઘરમાંથી રૂ. 19.15 લાખ જેટલી રોકડ રકમ હાથ આવી હતી જે અંગેના ખુલસાઓમાં કથિત આરોપી જમીન વિકાસ નિગમના નિવૃત્ત ક્ષેત્રીય અધિકારી યુસુફ અબ્દુલ રહેમાન ભીખા સહકાર નહિ આપતો હોવાથી તેને વેજલપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
વેજલપુર પોલીસ મથકે આરોપીની વ્યાપક પૂછપરછ શરૂ થાય તે પૂર્વે જ તેની તબિયત લથડી હતી. આરોપીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના અધિકારીએ તેને મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકથી મોત થયું હોવાના અનુમાનો બાદ મૃતકના પરિવાર તરફથી આક્ષેપો થતાં પેનલ અને એફ એસ એલ પોસ્ટમોર્ટમ માટે આરોપીના મૃતદેહને વડોદરા ખાતે ખસેડાયો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાના કામે ડીવાયએસપી પી. આર. રાઠોડને તપાસ સોંપવામાં આવી છે.
બીજી તરફ કથિત આરોપીના મોતને લઈ તેના પરિજનોએ દ્વારા પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે.
મૃતકના શાળા ફારૂકભાઈ એ એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે મારા બનેવી યુસુફ અબ્દુલ રહેમાન ભીખા ને તેમના ઘરે થી રોકડ રકમ અને ઘરેણાં સાથે પોલીસ લઈ ગય હતી અને પૂછપરછના બહાને તેઓને ટર્ચર કરી માર મારતા તેમનું મોત નિપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here