પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા ઘોઘંબા તાલુકાના માલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરાયું

ઘોઘંબા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત ઘોઘંબા તાલુકામાં સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરીને જન જાગૃતિ હેતુ ટીબી ચેમ્પિયન રેલીનું આયોજન કરાયું

નિક્ષય મિત્ર કીટના વિતરણ સાથે સ્વાસ્થ્ય તપાસ અને બાળકોનું રસીકરણ કરાયું

એસ્પિરેશનલ બ્લોક એટલે કે પછાત તાલુકાઓને દેશની સાથે જ કદમ મિલાવી વિકાસ યાત્રામાં સામેલ કરવાના હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય સ્તરે “સંકલ્પ સપ્તાહ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દેશના ૩૨૯ જિલ્લાના ૫૦૦ એસ્પિરેશનલ બ્લોકમાં “સંકલ્પ સપ્તાહ”ના પ્રથમ છ દિવસ દરમિયાન, દરરોજ નવી થીમને આધારિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અઠવાડિયાના અંતિમ દિવસ ૯ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસને “સંકલ્પ સપ્તાહ સમાવેશ સંમેલન” તરીકે પણ ઉજવવામાં આવશે.

ગુજરાત રાજ્યના ૧૩ એસ્પિરેશનલ તાલુકામાં તમામ આરોગ્ય કેન્દ્ર પર સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે પંચમહાલ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક તરીકે સમાવિષ્ટ ઘોઘંબા તાલુકામાં તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા તાલુકા કક્ષાએ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર,ઘોઘંબા ખાતે જન જાગૃતિ હેતુ ટીબી ચેમ્પિયન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીને પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ ચૌધરી તથા અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.આ સાથે મહાનુભાવોના હસ્તે નિક્ષય મિત્ર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે પંચમહાલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મહેશ ચૌધરી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર.પી.સિંગ અને તાલુકા હેલ્થ વિઝીટર શ્રીમતી સીતાબેન પટેલ દ્વારા ઘોઘંબા તાલુકાના માલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ સ્વાસ્થ્ય મેળાની મુલાકાત લઈને ઉપસ્થિતોને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શિત કર્યા હતા. સ્વાસ્થ્ય મેળામાં મેડિકલ ઓફિસર ડો.દીપા પટેલ તથા તેમની ટીમ દ્વારા પ્રસૂતિ ક્લિનિક અંતર્ગત ૨૦૬ સગર્ભા માતાઓની તપાસ, ૧૭૫ બિનચેપી રોગોના દર્દીઓની તપાસ, ૧૬૫ કિશોર – કિશોરીઓમાં એનીમિયા અંતર્ગત તપાસ તેમજ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી,ઘોઘંબા સરપંચશ્રી અને વિસ્તારના અગ્રણીઓ તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.એ.કે.તવિયાડ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.પી.સિંગ,સા.આ.કે.અધિક્ષકશ્રી ડો.વિજય પટેલ તથા ડો.પારસ પટેલ,તાલુકાના આરોગ્ય કર્મચારી, ટીબી ચેમ્પિયન,નિક્ષય મિત્રો તેમજ હેલ્થ ઇન્ફ્લુએંઝર જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here