નર્મદા જીલ્લા ઉધોગ કેન્દ્ર બની રહ્યું છે યુવાનો માટે રોજગારી ઉભી કરવાનું ઉત્તમ માધ્યમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ઉધોગ કેન્દ્ર બની રહ્યું છે યુવાનો માટે રોજગારી ઉભી કરવાનું ઉત્તમ માધ્યમ

સરકારની રૂ.૨.૫૦ લાખની સહાયથી ધ ફેન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક શરૂ કરવાનુ મારુ સ્વપ્ન થયુ સાકાર : લાભાર્થી સૌરભ પટેલ

પોતાના વ્યવસાયથી અંદાજિત રૂ. ૬૦ હજારથી વધુની આવક મેળવતા લાભાર્થી સૌરભ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો

નર્મદા જિલ્લામાં યુવાનો માટે સ્વરોજગાર માટેના ઉદ્યોગ સાહસો/પરિયોજનાઓ/નાના ઉદ્યોગો શરૂ કરીને રોજગારીની નવી તકો ઊભી કરીને તેમની કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજના અસરકારક નિવડી છે. જિલ્લાના નવયુવાનો સહિત વિશાળ વર્ગને નિરંતર અને સક્રિય રહે તેવો રોજગાર પુરો પાડીને શહેર તરફ સ્થળાંતર કરતા રોકવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરાહનીય કામગીરી કરી રહી છે.

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે અમલીકૃત તમામ યોજનાઓમાંની એક અને શ્રેષ્ઠ યોજના “વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ” (PMEGP) થી અનેકવિધ રોજગારની તકો ઉભી કરાઈ રહી છે. લઘુ, નાના અને મઘ્યમ કદના ઉદ્યોગોનું મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટ૨પ્રાઈસીઝ (MOMSME) દ્વારા સંચાલિત આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યભર સહિત નર્મદા જિલ્લાના યુવાનો-નાગરિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડીને આત્મનિર્ભર બનાવવાનો છે.

નાંદોદ તાલુકના “વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ” યોજનાના લાભાર્થી સૌરભ પટેલ માધ્યમો સાથેની ચર્ચામાં જણાવે છે કે, મારી માતા બ્યુટી પાર્લર અને મેકઅપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમારા ફેમિલી વ્યવસાયને આગળ વધારવા માટે મેં ક્લિનિકલ કોસ્મોલોજીસ્ટનો અભ્યાસ કર્યો છે. હું પણ મારા સ્ટાર્ટઅપને આગળ લઈ જવા માંગુ છું. સ્ટાર્ટઅપ માટે નાણાકીય સમસ્યા હતી. જો કે મારી માતાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને તેની યોજનાકીય માહિતી વિશે જાણ કરી હતી. આજે મે ધ ફેન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક ચલાવીને પગભર બન્યો છું તે માટે સરકારશ્રી અને તંત્રનો આભાર વ્યક્ત કર્યુ છું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના યોજનાકીય માહિતી મેળવીને સૌરભે અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ ધ ફેન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક નામનું સ્ટાર્ટઅપ શરૂ કરીને પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે. સાથોસાથ વધુ 5 લોકોને રોજગાર આપીને સ્વનિર્ભર બનાવ્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી તેમને રૂ. ૨.૫૦ લાખની સબસીડી (યોજનાકીય સહાય) મળી હતી. પોતાના સ્ટાર્ટઅપનુ સ્વપ્ન જોનાર સૌરભને વાસ્તવિક નાણાકીય સહાય અને પ્રોત્સાહન પુરુ પાડતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કામગીરી બિરદાવવા પાત્ર છે.

સરકારની અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને સૌરભ જેવા યુવાનો, લોકો આજે આત્મનિર્ભર થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ટીમ નર્મદાના પ્રત્યેક વિભાગો દ્વારા લોકો સુધી સરકારની યોજનાકીય માહિતી પહોંચાડવા માટે સરાહનીય કામગીરી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here