નર્મદા જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટર ના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને ચોમાસાની સીઝનને અનુલક્ષીને આગોતરા આયોજન અને અમલવારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન આફતોના સમયે બચાવ અને રાહત કામગીરી માટેની પ્રિ-મોન્સુનની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવીને ગતવર્ષોમાં થયેલ કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

જિલ્લા કલેકટરે જિલ્લાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સબંધિત અધિકારીઓને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા સહિત વીજ, પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અદ્યતન કરી કંટ્રોલ રૂમ કાર્યરત કરવા જણાવ્યું હતું.

તાલુકા કક્ષાના ફ્લડ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવા, તાલીમબદ્ધ માનવબળ અને રેસ્ક્યુના સાધનોની ચકાસણી કરવા તેમજ પાણી પુરવઠાને લગતી સઘળી યોજનાકીય ચકાસણી કરીને લોકોને પાણી પુરવઠો, ભારે વરસાદના સંજોગોમાં ફુડ પેકેટ તથા અન્ય રાહત સામગ્રીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા તેમજ ચોમાસાની ઋતુમાં સર્જાયેલી પરિસ્થિતિમાં શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા અંગે કલેક્ટર એ તાકિદ કરી હતી.

કલેકટર એ જિલ્લામાં આવેલી નહેરોની સફાઇની કામગીરી કરવા તેમજ ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાં પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. જી.ઇ.બી. દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં તેમજ વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું. વધુમાં મામલતદારો તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં, સહિતની તૈયારીઓ રાખવાં જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના તમામ ડેમોમાં પાણીને છોડતી વખતે આગમચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે જિલ્લા-તાલુકાને જાણ કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. જેથી લોકોને સમયસર સાવચેત કરવા સાથે યોગ્ય સમયે જરૂરી પગલા લઈ શકાય.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઇ. જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, ડિઝાસ્ટર મામલતદાર વિજયસિંહ ચાવડા, મામદતદારો, સર્વ તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here