નર્મદા જીલ્લાને ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ચાર એમ્બ્યુલન્સની ભેટ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના હસ્તે લીલીઝંડી આપી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન

નવી એમ્બ્યુલન્સ થકી નાંદોદ અને દેડિયાપાડાના અંતરે વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે – નર્મદા કલેકટર શ્રીમતી તેવતિયા

આરોગ્યલક્ષી સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં સહયોગ બદલ સીએસઆર ઓથોરિટી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરતા મહાનુભાવો

સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સ નું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી તેવતિયાએ જણાવ્યું કે, જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને બે દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે. જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે. એ એમ્બયુલન્સ થકી નાંદોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા અને ખુટાઆંબા તેમજ દેડિયાપાડાના ખૈડીપાડા અને સેજપુરના અંદાજે ૮૦ હજાર લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ ગુજરાત સીએસઆર ઓથોરિટીનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં જિલ્લાના આરોગ્ય અને પોષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મળનારા સહયોગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત ચાર અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે.

આ પ્રસંગે ઓનલાઇન માધ્યમથી તેમજ લોકાર્પણ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સુશ્રી વિભા કુમાર, સુશ્રી સિની ફિલિપ, નરેશ વણકર સહિતના પ્રતિનિધિઓ, આરસીએચઓ ડો. મુકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here