નર્મદા જિલ્લામાં તા.૧૬ મી ઓકટોબરે GPSC વર્ગ-૩ ની પ્રિલીમનરી પરીક્ષા લેવાશે… તંત્રની તડામાર તૈયારીઓ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પરીક્ષા દરમિયાન કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ જાહેર કરાયાં

નર્મદા જિલ્લામા ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૨-૨૩) ની જગ્યાઓની ભરતી માટે પ્રિલીમનરી પરીક્ષા તા.૧૬/૧૦/૨૦૨૨ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નિયત કરેલાં પરીક્ષા સ્થળો પર યોજાનાર છે.

સદર પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન તા.૧૬ મી ઓકટોબર,૨૦૨૨ ને રવિવારના રોજ સવારના ૧૦=૦૦ થી બપોરના ૦૨=૦૦ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નિયત કરાયેલા પરિક્ષા સ્થળો વિસ્તારોમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં, તેમ એક જાહેરનામાં દ્વારા અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઉક્ત પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામાની અમલવારી તા.૧૬/૧૦/૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૦૨.૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here