નર્મદા જિલ્લાના ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર ઉદીત અગ્રવાલ તથા નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ બૂથ પર પહોંચી મતદાર યાદીની કામગીરીનું નિરિક્ષણ કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શનિવારે જિલ્લાના તમામ બૂથ ઉપર હાથ ધરાયેલી સઘન ઝૂંબેશ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના ગામે ગામ ફરી રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલો મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પણ હાલ ચાલી રહ્યો છે. આજે શનિવારના રોજ BLO (બુથ લેવલ ઓફિસર) દ્વારા ગામની શાળાઓમાં આખો દિવસ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કામગીરીના નિરિક્ષણ અર્થે જિલ્લાના ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર ઉદીત અગ્રવાલ તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ યાત્રાના રૂટના વિવિધ બુથ ઉપર જઈને સંયુક્ત મુલાકાત કરી હતી.

તિલકવાડા તાલુકાના વાડિયા(કારા) ગામે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગામના જ બુથ પ્રાથમિક શાળા ખાતે પહોંચી બીએલઓ દ્વારા થઈ રહેલી કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી વિગતો મેળવી હતી. સાથો સાથ સુરવા અને કંથરપુરા ગામે પણ બુથ પર પહોંચી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

સંકલ્પ યાત્રા સાથે તેમજ ગામની શાળામાં આવેલા બૂથ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સેલ્ફી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં ભારત નિર્વાચન આયોગના રાષ્ટ્રીય આયકોન અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકરની રેપ્લિકા સ્ટેન્ડી સાથે જિલ્લાના નાગરિકો, ખાસ કરીને યુવાનો પોતાના મોબાઈલમાં સેલ્ફી અને તસવીર ખેંચાવી મતદાર તરીકેનું ગૌરવ અનુભવી રહ્યા છે.

નાંદોદ તાલુકાના વીરપોર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામની શાળાના શિક્ષિકા જેઓ BLO તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ આજે સંકલ્પ યાત્રાના કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની સાથે પોતે પણ સ્ટોલના માધ્યમથી ગ્રામજનોને મતદાર યાદી સુધારણા અંગેની જરૂરી માહિતી પુરી પાડી હતી. જેમાં ગામના કોઈ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધણી કે સુધારા કરાવવા ઈચ્છતા હોય તેઓ આ કાર્યક્રમમાં સહભાગી બની સુધારા કરાવી શકે તેવી અપીલ કરી મતદાર યાદીને વધુ સઘન અને સુદ્રઢ બનાવવા કામગીરી હાથ ધરી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેમજ જેમની નોંધણી બાકી હોય તેવા નાગરિકો માટે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવા તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે.

નર્મદામાં જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત તા. ૦૫/૧૧/૨૦૨૩, તા.૨૬/૧૧/૨૦૨૩ અને 3જી ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે બાદ આજે તા.9મી ડિસેમ્બરના દિવસે પણ દિવસ દરમિયાન બી.એલ.ઓ. દ્વારા પોતાના બુથમાં કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકો વિવિધ ઓનલાઇન માધ્યમો જેવા કે, https://voters.eci.gov.in, (મતદાતા સેવા પોર્ટલ) તેમજ Voter Help line Mobile Application દ્વારા ઘરે બેઠા નામ નોંધણી, મતદાર તરીકેની વિગતોમાં સુધારા, તેમજ નામ કમી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here