ધારાસભ્ય ચૈતર વસાવાના બીજા પત્નિ રણચંડી બની પતિદેવના રક્ષણ કાજે બહાર આવ્યા…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ મુદ્દે તેમના પત્નીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે – વર્ષાબેન વસાવા

ચૈતર વસાવાની લોકપ્રિયતામાં વધારો થતાં સરકાર આ જોઈ નથી શકતી, માટે તેમને ખોટા કેસ માં ફસાવવામાં આવ્યા – વર્ષાબેન વસાવા

ચૈતરભાઈના પત્ની શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી છતાં તેઓ જેલમાં છે-વર્ષાબેન વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. આ મુદ્દા પર તેમના પત્ની વર્ષાબેન વસાવાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગના 40-50 કર્મચારીઓએ એક ખેડૂતનો પાક અડધી રાત્રે કાપી નાખ્યો હતો. આ મુદ્દા પર ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી. ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે આ બાબત પર ચર્ચા કરી અને રાતના સમયે બંને લોકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેના ત્રણ દિવસ પછી રાતના સમયે ડીવાયએસપી સરવૈયા અને ૪૦ થી ૪૫ પોલીસ કર્મચારીઓ અમારા ઘરે આવે છે કોઈપણ પ્રકારની પરમિશન વિના અમારા ઘરમાં ઘૂસીને ઘરની તપાસ કરે છે અને આખી રાત અમને હેરાન કરે છે.

સવારે 05:30 વાગ્યે ફરીથી પોલીસ આવે છે અને ચૈતરભાઈના પત્ની શકુંતલાબેનને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમને જેલમાં મોકલવામાં આવે છે. હકીકતમાં તેમનો આ સમગ્ર કિસ્સામાં કોઈ જ વાંક નથી. ત્યારબાદ અમે જોયું કે એફઆઇઆર માં પણ ધારાસભ્ય વિરુદ્ધ ખોટી રીતે ગુના દાખલ કરીને તેમને પણ ફસાવવામાં આવ્યા. એફઆઇઆર માં ફાયરિંગ થઈ એવી વાત લખવામાં આવી છે પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી. આ સમગ્ર ભાજપનું ષડયંત્ર છે.

ધારાસભ્ય છેલ્લા 10 મહિનાથી સતત જનતાની સેવામાં લાગ્યા છે અને જનતાની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને એના કારણે તેમની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. પરંતુ સરકાર આ જોઈ નથી શકતી, માટે તેમને ફસાવવામાં આવ્યા છે. ભાજપે તેમને ભાજપમાં લઈ જવા માટે આ ષડયંત્ર રચ્યું છે. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે. અને તેમને ખોટા કેસોમાં ફસાવી રહી છે ના ગંભીર આરોપ ભાજપ સરકાર ઉપર ધારાસભ્ય ચૈતર વસાવા ના બીજા પત્નિ એ રણચંડી બની ને લગાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here