જમીન કૌભાંડની તટસ્થ તપાસ થાય તે માટે SIT ની માંગ સાથે ‘આપ’ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જમીન કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નામ

જળ, જંગલ, જમીન, ભરતી, પરીક્ષા, વહીવટ જેવા તમામ ક્ષેત્રોમાં ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે: દિનેશ બારીઆ

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ખુબ મોટું જમીન કૌભાડ સામે આવ્યું છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નામ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેથી ભાજપ સરકાર ભીંસમાં આવી છે.
અમદાવાદ નજીક કલોલ તાલુકાના મૂલસાણા ગામની પાંજરાપોળની અંદાજે 10 હજાર કરોડની જમીન બિનખેતી કરીને બિલ્ડરોને આપી દેવાના પ્રકરણમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે સરકારે એફઆઇઆર દાખલ કરીને ગુનો નોંધ્યો છે ત્યારે આ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ જમીન પ્રકરણની મંજૂરી આપવા તત્કાલીન સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને તે વખતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને મહેસૂલ સચિવે તે મુજબ પ્રક્રિયા કરવા લાંગાને સીધી સૂચના આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એસ.કે.લાંગાએ એવો ઉલ્લેખ કર્યો છે કે સરકારની સૂચના અને મરજી મુજબ જિલ્લાકક્ષાએથી આ પ્રકરણની આગળની તજવીજ શરૂ થઇ હતી અને સરકારની સૂચના અને રોજેરોજની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. સરકારને તેની ઓનલાઇન જાણ થતી રહેતી હતી.
આ જમીન કૌભાંડમાં કેટલાક અધિકારીઓ અને શાસનમાં રહેલા પદાધિકારીઓ સામેલ હોવાનું જાણવા મળે છે તેથી ભાજપ સરકાર તેઓને બચાવવા કોઈ અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરવાનું કામ સોંપી શકે છે અને ભીનું સંકેલી લેવાની કોશિશ કરી શકે છે તેથી આમ આદમી પાર્ટી દ્વારા તપાસ તટસ્થ થાય, તમામ કૌભાંડીઓ બહાર આવે અને તમામને કડક સજા કરવામાં આવે તોજ ગુજરાતની જનતાને ન્યાય મળે એ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા ખાતે માન. કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકારમાં જળ, જમીન, જંગલ, ખનીજ, વહીવટ, ભરતી, પરીક્ષા એમ તમામ વિભાગોમાં ખુબ મોટા ભ્રષ્ટાચાર થયા હોવાનું બહાર આવી રહ્યું છે આ જોતાં ભાજપ એટલે ભ્રષ્ટાચાર પાર્ટી એવી જનતાના માનસમાં છાપ ઊભી થઈ રહી છે.
ભાજપ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવવાનું જો કામ કરશે તો આમ આદમી પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે કે વિરોધ પક્ષ તરીકે જનતાના ન્યાય માટે અવાજ ઉઠાવશે એવું જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કહ્યું હતું.
જિલ્લાના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here