છોટાઉદેપુર : ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓથી મીડિયા કર્મીઓને માહિતગાર કરવા છોટાઉદેપુર ખાતે વર્કશોપ યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા કર્મીઓ ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓથી વાકેફ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. ચૌધરીએ મીડિયા કર્મીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને જિલ્લામાં મતદાન અંગે વધુમાં વધુ જાગરૂકતા ફેલાવવામાં જિલ્લા ચૂંટણી તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

ઇન્ટીગ્રેટેડ કંટ્રોલરૂમના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી પ્રજાપતિએ જિલ્લામાં કાર્યરત મીડિયા મોનિટરિંગ કંટ્રોલરૂમ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરૂમ તથા વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમની વિગતો આપી હતી. મીડિયા નોડલ અને સહાયક માહિતી નિયામક માર્ગી રાજપુતે પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી પંચ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન સૂચનાઓથી પત્રકારોને વાકેફ કર્યા હતા.
આ વર્કશોપમાં નોડલ ઓફિસર ફોર કમ્પ્લેન રીડ્રેસલ, વોટર હેલ્પલાઇન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here