ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યિલ ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર

ગોધરા, (પંચમહાલ)/ઇશહાક રાંટા :-

દિવ્યાંગો માટેના સ્પેશિયલ મહાકુંભ 2024ને પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ,કનેલાવ તળાવ,ગોધરા ખાતે આજે ખુલ્લો મુક્યો હતો. કલેકટરશ્રીએ દિવ્યાંગ ખેલાડીઓ તથા વાલીઓને શુભેચ્છા આપી જણાવ્યું હતું કે,દિવ્યાંગ ખેલાડીઓ રમત ગમતમાં ભાગ લઈ રહ્યા છે તે અમારા માટે પણ પ્રેરણાદાયક હોય છે. તેમણે દિવ્યાંગોને ઉત્કૃષ્ટ દેખાવ કરી આગળ આવવા માટે આહવાન કર્યું હતું.

આ તકે તેમણે જણાવ્યું કે, વિવિધ રમતોમાં તમે ભાગ લઈ પોતાની શક્તિઓને બહાર લાવો, સ્પોર્ટ્સથી માનસિક વિકાસ થાય છે,ખેલદિલીની ભાવના વ્યક્ત થાય છે. આપણા જીવનમાં સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી છે.તેમણે ખેલાડીઓનું મનોબળ વધારતા જણાવ્યું હતું કે, આજે મહેનતના પ્રદર્શનનો દિવસ છે,તમે સૌ મનથી સહભાગી થજો જે લોકો યોગ્ય હશે તે આ રમત જીતી જશે પણ તમે સંપૂર્ણ તૈયારી સાથે રમત રમશો. તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

લોકસભા 2024 ચૂંટણીઓની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદારો માટે ચૂંટણીપંચે વ્હીલચેરની વ્યવસ્થા કરી છે.18 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ મતદારો અને નાગરિકોને મત આપવા અનુરોધ કર્યો હતો.‍‍ લાયન્સ ઇન્ટરનેશનલના શ્રી જે પી .ત્રિવેદી, ગોધરાની લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ડોક્ટર ભાવેશ બુધવાણી, અને રાષ્ટ્રીય અંધજન મંડળ, દાહોદના ડોક્ટર યુસુફી કાપડીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.કલેક્ટરશ્રીએ ચેસના અને દોડના દિવ્યાંગ ખેલાડીઓ પાસે જઈ,કલેપ બોર્ડ વગાડી દિવ્યાંગો માટેના સ્પેશિયલ મહાકુંભનો આરંભ કરાવ્યો હતો.

યુવા અને સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર,જિલ્લા વહીવટી વિભાગ પંચમહાલ, રમત વિકાસ અધિકારી શ્રી, પંચમહાલ બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ તેમજ એન એ બી દાહોદના સહયોગથી દર વર્ષે દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન જિલ્લા લેવલે કરવામાં આવે છે.

આજથી શરૂ થયેલા દિવ્યાંગો માટેના સ્પેશિયલ મહાકુંભ 2024માં 75 પ્રજ્ઞા ચક્ષુ, 177 અસ્થિ વિષયક તેમજ 50 શ્રવણ મંદ દિવ્યાંગતા ધરાવતા અને ચેસમાં કુલ 10 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, જેવી રમતો રમાનાર છે. અસ્થિ વિશે ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાઇસિકલ રેસ ,ચક્ર ફેક, ભાલા ફેક, ગોળા ફેક, 100 મીટર લાંબી કુદ, ઊંચી કુદ વગેરે જેવી રમતો તેમજ શ્રવણ ખામી ધરાવતા ખેલાડીઓ માટે 100 મીટર અને 200 મીટરની દોડની રમતોનું આયોજન કરાયું છે.

આવતીકાલે બુધવારે માનસિક ક્ષતિ ધરાવતા કુલ 400 ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લેવાના છે. ખેલાડીઓ માટેની રમતને ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવી છે 1. એથ્લેટિક્સ હાયર એબિલિટી 2. એથ્લેટિક્સ લૉઅર એબિલિટી અને 3. સાયકલિંગ. આ મુખ્ય રમતોમાં 25, 50 ,100, 200, 400, 800 મીટર દોડ , 50,100 મીટર વોક, બોચી, સોફ્ટબોલ થ્રો, બાસ્કેટબોલ ,સાયકલિંગ વગેરે જેવી રમતો રમાડવામાં આવશે. ગુરુવારે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતી ત્રણ ટીમ માટે ક્રિકેટનું આયોજન કરાયું છે. ઉપરોક્ત ત્રણેય કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ આ રમતોત્સવમાં જિલ્લા તથા રાજ્ય લેવલે દર વર્ષની જેમ કુલ 15 થી 16 લાખ જેટલી રકમ ઇનામ સ્વરૂપે મેળવતા રહે છે. આ સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા, દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના પ્રમુખશ્રી પ્રફુલભાઈ વ્યાસ, રાષ્ટ્રીય અંધજન મંડળ, દાહોદના પ્રમુખ શ્રી ડોક્ટર નાગેન્દ્રનાથ નાગર,દિવ્યાંગ રમતવીરો, વાલીઓ ,શિક્ષકો ,વિવિધ રમતોના કોચશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here