કાલોલ તાલુકાની ૨૨૬ આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓ અને હેલ્પર મહિલાઓએ આંદોલનને ઉગ્ર બનાવ્યું… મંગળવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કર્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકા વિસ્તારમાં ૨૨૬ આંગણવાડી કેન્દ્રોની સંચાલક અને તેડાગર મળીને ૪૫૦ ઉપરાંત મહિલાઓએ તેમના આંગણવાડી સંગઠનની માંગોના સમર્થનમાં આંદોલનનો માર્ગ ઉગ્ર બનાવીને મંગળવારે ધરણાં પ્રદર્શન કરીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી કાર્યકર મહિલાઓએ તેમના સંગઠનની માંગ મુજબ આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારી અને વધતી જતી મોંઘવારી સામે અપેક્ષિત વેતન વધારો કરવાની રજૂઆતો સરકાર સમક્ષ કરેલી છે તેમ છતાં કોઈ ન્યાય નહીં મળતા છેવટે આંગણવાડી સંગઠને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપાડીને કાલોલ તાલુકા વિસ્તારના ઘટક-૧ અને ઘટક-૨ વિભાગની ૪૫૦ ઉપરાંત સંચાલક અને તેડાગર મહિલાઓએ તેમના સંગઠનના સમર્થનમાં સોમવારે મામલતદારને આવેદન આપ્યું હતું. જ્યારે બીજા દિવસે મંગળવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકારીને આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર મહિલાઓના જણાવ્યા મુજબ સરકાર આંગણવાડી કાર્યકર મહિલાઓ તેમના કામના ન્યાયિક વળતર માટે બુધવારે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યા પછી પણ જો સરકાર દ્વારા સંગઠનની માંગણીઓ સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર બનાવવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here