આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જીલ્લાનું નામ રોશન કરતા ડૉ. મયુર કે. રાઠવા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ડૉ. મયુર કે. રાઠવા એ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી સાથે પી.એચ.ડી. (એગ્રી.) એગ્રોનોમી વિષયમાં હાઈસ્ટ ઓ.જી.પી.એ. પ્રાપ્ત કરવા બદલ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જીલ્લાનું નામ રોશન કર્યું

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી અને માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સમારંભના મુખ્ય મહેમાનશ્રી, સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરોના નિયામકશ્રી નીલેશ એમ. દેસાઈ, આણંદ કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરિયા, રાજ્યના અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્યશ્રીઓ, કુલસચિવ શ્રી ડૉ. જી. આર. પટેલ, કલેક્ટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વિવિધ શાખાના અધ્યક્ષ અને આચાર્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકગણ, કર્મચારીઓ તેમજ પદવી પ્રાપ્ત કરનાર વિવિધ શાખાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
જેમાં આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લાના ઓલીઆંબા ગામનાં વતની ડૉ. મયુરભાઈ કમરૂભાઈ રાઠવા કે જેઓ માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં જ એગ્રોનોમી વિષયમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ હાંસિલ કરી હતી. આ સાથે તેઓને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે યોજાયેલ ૨૦મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પી.એચ.ડી. (એગ્રી.) એગ્રોનોમી વિષયમાં વર્ષ ૨૦૨૨-૨૩માં હાઈસ્ટ ઓ.જી.પી.એ. પ્રાપ્ત કરવા બદલ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે મધુબેન ઠાકોરભાઈ પટેલ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જીલ્લાનું નામ રોશન કર્યું હતું. તેમનું પી.એચ.ડી. ડિગ્રીનું સંશોધન શીર્ષક: “ઈરીગેશન સીડ્યુલિંગ એન્ડ નાઈટ્રોજન મેનેજમેન્ટ થ્રૂ ડ્રીપ સિસ્ટમ ઓન ગ્રોથ, યીલ્ડ એન્ડ ક્વોલિટી ઓફ રબી મેઈઝ – સમર બ્લેકગ્રામ ક્રોપીંગ સીક્વંશ” હતું.
આ પ્રસંગે ડૉ. મયુર રાઠવાએ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવશ્રી, આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ, દાતાશ્રી તેમજ અગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. આ સાથે તેમને જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર નથી; તે સામુહિક પ્રયાસોની પરાકાષ્ટા છે. તે માટે તેમના મુખ્ય માર્ગદર્શક ડૉ. એ. એસ. ભાણવડિયા, અન્ય સલાહકારો અને પ્રોફેસરોનો આભાર માન્યો હતો કે જેમને શાણપણ અને ધીરજ સાથે માર્ગદર્શન આપ્યું. તેઓનું આ માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છે. જે તેમની શૈક્ષનિક સમજને જ નહિ પરંતુ પોતાના પાત્રને પણ આકાર આપે છે. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર અભ્યાસ દરમિયાન માતા-પિતા, સમાજ અને મિત્રોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ માટે તેમનો પણ ખુબ અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો.
વધુમાં ઉમેરતા તેઓએ કહ્યું હતું કે, તેમનો આ ઉચ્ચ અભ્યાસ કૃષિ ક્ષેત્રે ખેડૂતોને આર્થિક તેમજ સામાજિક રીતના વધુ આગળ લાવવાં તેમજ રાજ્ય, દેશની ઉત્તરોઉતર પ્રગતિ કરવામાં અને વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનવા મદદરૂપ થશે તેની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here