સાંસદ મનસુખ વસાવાનો નર્મદા પોલીસ હપ્તા લઇ દારૂનો વેપલો ચલાવતી હોવાનો ગંભીર આરોપ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બૂટલેગરો સાથે નર્મદા જીલ્લા પોલીસ ની સાઠગાંઠ થી ચાલતા દારૂ જુગાર આંકડા ના બેનંબરી ધંધા

રાજપીપળા પાસે ના ચિત્રોલ-મયાસી ગામે મોટા પાયે થતું વિદેશી દારૂનો વેપલો પોલીસ ઉપર રહીને કરાવે છે- મનસુખ વસાવાનો આરોપ

ડેડીયાપાડાના સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલિસ હપ્તો લેતી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો ધડાકો

ડેડિયાપાડાના સોલિયામાં બુટલેગરો ફાટી નીકળ્યા છે, ચિકદામાં આંકડા- જુગારના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થતું હોવાનો સાંસદ નો ઘટસ્ફોટ

ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવા પોતાના સ્વભાવ અને પોતાની સ્વચ્છ વાણી અને નિષ્ઠા તેમજ શનિષ્ઠા અને પ્રમાણિકતા માટે સમગ્ર વિસ્તારમાં તમામ સમાજના વર્ગોમાં એક અનેરી લોક ચાહના ધરાવે છે ત્યારે હર હંમેશ આદિવાસી સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ તેમજ વિકાસની સતત ચિંતા કરતા સાંસદ મનસુખ વસાવા એ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ફાટી નીકળેલી સામાજિક બદી ઓ જેવી કે દારૂનો વેપલો આંકડા જુગારની પ્રવૃત્તિઓ ને ઉજાગર કરવા નર્મદા જિલ્લા પોલીસને આડેહાથ લીધી હતી, અને નર્મદા જિલ્લા પોલીસ ની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો સહિત આંકડા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાનો ધડાકો કર્યો હતો જેણે નર્મદા જિલ્લા પોલીસ ની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાડા ખાતે અમૃત કળશ યાત્રા આવી પહોંચી હતી ત્યારે કોલીવાડા ખાતેના “મેરી મિટ્ટી મેરા દેશ” ના કાર્યક્ર્મમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે અહીંયા પોલીસ જ લાખો રૂપિયા હપ્તા લઈ ઉપર રહીને દારૂનો ધંધો કરાવે છે.

નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા પાસે આવેલા ચિત્રોલ મયાસી ગામ ખાતે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે કરોડો રૂપિયાની માલ મત્તાની મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને આરોગ્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ભાજપા સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે ચિત્રોલ-મયાસીમાં ભુતકાળમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો, અને હાલમાં પણ ત્યાં મોટા પાયે દારૂનો ધંધો ચાલું થઈ ગયો છે !!!! સાંસદ મનસુખ વસાવા ની આ વાણી ઉપરથી સ્પષ્ટ થાય છે કે જો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નો વેપલો ચાલુ થયો હોય તો શું નર્મદા જિલ્લા પોલીસ આ મામલા થી અજાણ છે????

ડેડીયાપાડાના સોલીયામાં બુટલેગરો ફાટી નીકળ્યા છે, સોલિયામાં દર મહિને 35 લાખ રૂપિયા નો પોલિસ હપ્તો લે છે.ચિકદામાં આંકડા- જુગારના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે.ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને બીજા લોકો એના પર પથારી ફેરવી નાખે છે.તિલકવાડામાં બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે, આવા લોકોને ખુલ્લા પાડવા પડશે. આ બધું રોકવું પડશે બાકી યુવા પેઢી બરબાદ થઈ જશે નુ પણ સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યુ હતુ.

સાંસદ મનસુખ વસાવાએ વિશેષ માં ખાસ જણાવ્યું હતું કે ગમે એટલો મોટો ચમરબંધી કોઈ કેમ ન હોય એને ખુલ્લો પાડતા હું બિલકુલ ગભરાતો નથી.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, દેશ યુવાનોને સોંપવા માંગે છે તો બીજી બાજુ દારૂ- જુગારના રવાડે ચઢી યુવાધન ખતમ થઈ રહ્યું છે નુ જણાવી નેતાઓ ને પણ આડે હાથ લેતા જણાવ્યું હતું કે કેટલાંક નેતાઓ અહીંયા સ્ટાર બેન્ડ બોલાવી લોકોને દારૂ પીવડાવી આખી આખી રાત નચાવે છે, એમની આ નીતિ યોગ્ય નથી. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ અને રોજગાર તરફ ડાયવર્ટ કરવી જોઈએ એની જગ્યાએ વ્યસનના રવાડે ચડાવવામાં આવે છે નુ જણાવી નેતાઓ ને પણ અડફેટે લીધા હતા અને પોતાની સ્વચ્છ છબી સહિત સ્પષ્ટ વાણી નો પરચો ફરી એકવાર આપ્યો હતો.

તિલકવાડામાં રાજકીય પાર્ટીઓએ બુટલેગરોને સામેલ કર્યાનો સાંસદનો આરોપ

સાંસદ મનસુખ વસાવા એ નર્મદા જિલ્લાના તિલકવાડા માં કેટલીક રાજકીય પાર્ટીઓએ બુટલેગરોને પાર્ટીમાં સામેલ કર્યા હોવાનો પણ ધડાકો કર્યો હતો, બૂટલેગરો ને પાર્ટીઓમાં જોરદાર નેતાઓ કોણ ??એની પણ તપાસ થવી જોઈએ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી સમાજમાં ફેલાયેલી બદીઓ, દુષણો, વ્યસનો ની સામે ઝુંબેશ ચલાવે છે ત્યારે કેટલાક લોકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોય છે આવા લોકોને ખુલ્લા પાડવાનો સમય આવી ગયો હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પ્રવચનમાં ધડાકો કરતા ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક આગેવાનો સામે તેઓ a આડ કતરી રીતે આંગળી ચીંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here