રાજપીપળા નગરપાલિકાના પૂર્વ  ઉપપ્રમુખ અને મુસ્લિમ આગેવાન યુસુફ સોલંકીનું સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત

ગતરોજ તેઓના એનટીજન કોરોના ટેસ્ટીંગ લેવાયેલ જેમાં કોરોનાના શંકાશીલ દર્દી તરીકેનો રિપોર્ટ આવ્યો હતો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા મુસ્લિમ સમાજના અગ્રણી અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનું આજરોજ સવારે વડોદરા ખાતેના એક ખાનગી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા નગરમાં વર્તાતા કોરોનાના કહેર વચ્ચે બે દિવસ પહેલા તેઓના પત્નિ બાનુબેન સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટીંગ પોઝિટિવ આવતા તેઓને પણ સારવાર માટે વડોદરા ખાતે લઇ જવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા શાકમાર્કેટ વિસ્તાર, કસબાવાડ ખાતે ગતરોજ એનટીજન સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ હતા, એનટીજન સેમ્પલ ટેસ્ટીંગમાં યુસુફભાઈ સોલંકી સહિત તેમના વયોવૃદ્ધ માતાના સેમ્પલ પોઝિટિવ નિકળતા આરોગ્ય વિભાગદ્વારા તેઓને કોરોનાના શંકાશીલ દર્દી તરીકે જાહેર કરેલ. પોતે ડાયાબિટીસ સહિત હાર્ટના પણ પેશન્ટ હોય કોરોનાના શંકાશીલ દર્દી તરીકે જાહેર થતાનું જાણી વધુ સારવાર મેળવવા માટે વડોદરાના એક ખાનગી દવાખાનામાં સારવાર મેળવવા દાખલ કરવામાં આવ્યા હતા.જયાં તેઓનું આજરોજ સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુસુફભાઈ સોલંકી રાજપીપળા નગરપાલિકાના ચાર વાર સદસય રહી ચુક્યા હતા , ઉપપ્રમુખ તરીકેની પણ સેવા બજાવી નામના મેળવી હતી. મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા, મિત્ર મંડળમાં યુસુફ શિકારી તરીકે ઓળખાતા હતા. પોતાના હસમુખા અને મળતાવડા સ્વભાવથી નગરજનો સુપેરે પરિચિત હતા. બાળકો સાથે બાળક થઇ રમુજી વૃત્તિ વડીલોને સન્માન તેમના ખાસ લક્ષણો હતા. ખાસ કરીને તેઓ રાજપીપળા ખાતે પ્રસિદ્ધ ઓલિયા હઝરત નિઝામશાહ (ર.અ.) ની દરગાહ આવેલ છે તેમના તેઓ મોટા ચાહકોમાના એક હતા. દર વર્ષે નિઝામશાહ દાદાના ઉર્સ પ્રસંગે તેમના તરફથી એક આમ નિયાઝનો કાર્યક્રમ રાખતા જેમા નગરના તમામ મુસ્લિમ સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો પ્રસાદી ગ્રહણ કરતાં . આ કાર્યક્રમ ભાઈચારા ,કોમી એકતાની એક ઉમદા મિસાલ બની રહેતુ હતુ. પોતાની દિન ચર્ચાની શરુઆત પ્રથમ નિઝામશાહ દાદાના દરબારમાં હાજરી પુરાવીને જ કરવીએ મૃતકની ખાસ ઓળખ સમું બની ગયુ હતુ.
સ્વર્ગસ્થના મૃતદેહને રાજપીપળા ખાતે લાવી રાજપીપળા કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here