ગોધરા સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગની ઘટનાની સ્થિતિમાં તૈયારીઓની ચકાસણી કરવા મોકડ્રીલ યોજાઈ

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ફાયર સેફ્ટીને લગતી સજ્જતાની સમીક્ષા કરી

આગની સ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ શક્ય તેટલો ઘટાડવા અંગે માર્ગદર્શન-સૂચનો આપ્યા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં આગની સ્થિતિને પહોંચી વળવા પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના પોલીસ વડાની ઉપસ્થિતમાં મોકડ્રિલ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આગની સ્થિતિમાં એકશનમાં આવતા ફાયર, ૧૦૮, પોલીસ સહિતના વિભાગોનો રિસ્પોન્સ ટાઈમ અને સંકલનની સમીક્ષા કરી હતી તેમજ રાહત પહોંચાડવાનો સમય ઘટાડવા માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. આ અગાઉ ગોધરા સિવિલ સર્જન અને અન્ય સંબંધિત વિભાગના વડાઓ સાથે ફાયર સેફટી સિસ્ટમ સંદર્ભે એક સમીક્ષા બેઠક પણ હાથ ધરી હતી. જેમાં આગની ઘટના સમયે કેવી સમયસૂચકતા વાપરી શકાય અને કેવા પગલાં ભરી શકાય સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાશ્રીએ સલામતી અને રાહતની તૈયારીઓમાં ખામી અંગે ચર્ચા કરતા આગની સ્થિતિમાં એમ્બ્યુલન્સ ઝડપથી સ્થળે કોઈ અવરોધ વગર પહોંચે, અન્ય દર્દીઓ અને તબીબી સેવાઓ ન ખોરવાય તે રીતે રાહત પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રિલનું નિરીક્ષણ કરી તેમણે જે મુદ્દાઓમાં સુધારની તેમજ કર્મચારીઓને તાલીમની જરૂર છે તે અંગે માર્ગદર્શન સૂચના આપ્યા હતા. આ સમગ્ર તૈયારીઓ ૨ દિવસમાં પૂર્ણ કરવા તેમણે સૂચના આપી હતી. આ નિમિત્તે જિલ્લા પોલીસ વડાશ્રી, સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ, ૧૦૮ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here