કોવિડ-૧૯ વેક્સિનેશન અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ

વેક્સિનના સંગ્રહ, પરિવહન, વિતરણ તેમજ રસીકરણ કેન્દ્રો સહિતના પૂર્વ આયોજન અંગે સૂચના આપી

ગોધરા(પંચમહાલ),

કોવિડ-૧૯ રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકારશ્રી દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. કોવિડ-૧૯ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે ત્યારે રસી ઉપલબ્ધ થયે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ-સંસાધનોની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા સમાહર્તાશ્રીએ વિગતવાર માહિતી મેળવી સૂચના આપી હતી. તેમણે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, આઈએલઆર સહિતની વ્યવસ્થાઓ આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ કરવાના પૂર્વ આયોજન અંગે સૂચના આપી હતી. પ્રથમ તબક્કામાં હેલ્થકેર પ્રોવાઈડર્સને રસી આપવાની છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં કાર્યરત તમામ સરકારી-ખાનગી સ્વાસ્થ્યકર્મીઓના ડેટા એકત્રીકરણની કામગીરી વિશે તેમણે સૂક્ષ્મ વિગતો મેળવી એક પણ સ્વાસ્થ્યકર્મી રહી ન જાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને કલેક્ટરશ્રીએ નિર્દેશ આપ્યા હતા. જિલ્લાના તમામ વર્ગના લોકો રસીકરણની ઝુંબેશમાં જોડાઈને પોતાની જાતને સુરક્ષિત કરે તે માટે સ્થાનિક સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક કરી લોકોમાં આ અંગે વિધાયક વાતાવરણ સર્જવા તેમજ વેક્સિનેશન કેમ્પ યોજી શકાય તેવા સ્થળો આઈડેન્ટીફાય કરવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. વેક્સીન જેમણે આપવાની થશે તેવા વેક્સિનેટર્સની તાલીમ ઉપરથી આવતા નિર્દેશો અનુસાર કોઈ ભૂલ વગર યોજાય તે સુનિશ્ચિત કરવા તેમણે સૂચના આપી હતી. બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાઠોડ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જનશ્રી, કોવિડ કામગીરીમાં રોકાયેલ તમામ નોડલ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here