ભારત સરકારના કૃષિ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી ડૉક્ટર યોગીતા રાણા અને ડેપ્યુટી સેક્રેટરી રચના કુમારે પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી

હાલોલ, (પંચમહાલ) કનુભાઈ પરમાર :-

હાલોલ તાલુકાના રવાલિયા સ્થિત પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શિત કર્યા

સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ભારત સરકારના કૃષિ મંત્રાલયની જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી ડૉક્ટર યોગીતા રાણા તેમજ ડેપ્યુટી સેક્રેટરી રચના કુમાર અને તેમની ટીમે મુલાકાત લીધી હતી.

જિલ્લાના હાલોલ તાલુકાના રવાલિયા ગામના પર્વતભાઇ રયજીભાઇ સોલંકીના મોડલ ફાર્મની તેમણે મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ખેડૂતો જોડે વિવિધ ચર્ચાઓ કરી હતી તેમજ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં એફ.એમ.ટી તેમજ આત્માના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. ખેડૂતોએ પોતે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરે છે અને તેના વિવિધ આયામો અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. ખેડૂત માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂંક પામેલા ખેડૂતોએ પોતે અલગ અલગ ક્લસ્ટર દીઠ ગામમાં જઈને કેવી રીતે ખેડૂતોને તાલીમ તેમજ જીવામૃતનું નિદર્શન અને અન્ય રોગ જીવાત અસ્ત્રોનો નિદર્શન કરવા માટેની માહિતી તેમને આપી હતી.

આ સાથે તેમણે મોડલ ફાર્મના વિવિધ આયામો તેમજ નિદર્શન નિહાળ્યું હતું અને ખેડૂતોને તાલીમથી માંડીને ખેતીના પાકના વાવેતરથી છેલ્લે લણણી સુધીની માહિતી મેળવી હતી અને આ કાર્યક્રમમાં દરેક તાલુકાના તાલુકા સંયોજક તેમજ પંચમહાલ જિલ્લાના જિલ્લા સંયોજક અને તમામ ફાર્મના માસ્ટર ટ્રેનર અને સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મૂલ્ય વર્ધન કરે છે તેવા ખેડૂતો પણ હાજર રહ્યા હતા.

આ પ્રકારના ગ્રુપમાં ખેડૂત મહિલાઓએ પોતાની ખેતીમાં પાલક, બીટ તેમજ કેસુડાના કુદરતી રંગોનો મૂલ્ય વર્ધન કરીને તેમની સફર એક માર્કેટ સુધી કેવી રીતના પહોંચાડી તેની પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ટીમ સાથે જોઈન્ટ ડાયરેક્ટરશ્રી વડોદરા અને અન્ય અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ટીમનું સ્વાગત ડાયરેક્ટર આત્મા શ્રી-પંચમહાલએ કર્યું હતું. આ ટીમે દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here