બોડેલી : ભોરદા ગામે ખેતરમાં લટકતા જીવંત વાયરથી ભેંસને કરંટ લાગ્યો, ભેંસને બચાવવાનો પ્રયાસ કરનાર શ્રમજીવી જમીન પર પટકાયો…

બોડેલી,(પંચમહાલ) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકાના ભોરદા ગામે સવારે ૧૨ વાગ્યાની આસપાસ ભોરદા ખેતરમાં ભેંસો ચરાવવા જતા હવામાં લટકતા જીવંત વાયરને ભેંસ અડી જતા ભેંસને કરંટ લાગ્યો હતો.કરંટ લાગેલ ભેંસને શ્રમજીવી ઘ્વારા બચાવવા જતા શ્રમજીવી ફંગોળાતા જમીન પર પટકાયો હતો.ખેતરમાં કામ કરતા શ્રમજીવીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇમર્જન્સી ૧૦૮ ને ફોન કરતા કરંટ લાગેલ શ્રમજીવીને બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેમની તબિયત નાજુક બતાવવાની વાત જાણવા મળી હતી.
મળતી માહિતી મુજબ ભોરદા ગામે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતા ચંદ્રસિંહ ભાવસિંહ પરમાર સવારે ૧૨ વાગ્યાના અરસામાં ભેંસો ચરાવવા ભોરદા સીમમાં જતા હતા તે સમયે રસ્તાની બાજુમાં ૧૧ કે.વી.મોટા અમાદરા એગ્રિકલચર લાઈનના જીવંત વાયરોને એક ૪ વર્ષની ભેંસ અડકી જતા તે તરફડવા લાગી જેને બચાવવા ચંદ્રસિંહ પરમાર ગયા તેઓ પણ જીવંત વાયરને અડકી જતા તેઓ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા.ખેતરમાં કામ કરતા શ્રમજીવીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇમર્જન્સી ૧૦૮ પર ફોન કરતા ચન્દ્રસિંહને સારવાર અર્થે બોડેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ નાજુક બતાવવામાં આવી છે તેવું જાણવા મળ્યું હતું.બીજી તરફ કોસીંદ્રા એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને ટેલિફોનિક જાણ થતા તેઓ ભોરદા ઘટના સ્થળે દોડી આવી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી કરંટથી મરણ પામેલ ભેંસનો પંચકયાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શ્રમજીવીની પણ મુલાકાત લઇ સમગ્ર બનાવ અંગે માહિતી એકત્રિત કરેલ છે તેમ નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ પીઠવાએ જણાવ્યું હતું.ભોરદા ગ્રામજનોને કોસીંદ્રાના નાયબ કાર્યપાલક ઈજનેર પર સીધો આક્ષેપ કર્યો હતો કે એક મહિના પહેલા ભોરદા સીમમાં જવાના રસ્તાની બાજુમાં લટકતા આ જ જીવંત વાયરોનું સમારકામ કરવા અંગે લેખિતમાં પંચાયત મારફતે ૧૩/૩/૨૦૨૧ અને ગ્રામજનો ઘ્વારા ૧૫/૩/૨૦૨૧ ના રોજ અરજી આપવામાં આવી હોવા છતાં એમજીવીસીએલના કર્મચારીઓ ઘ્વારા કામગીરી હાથ ન ધરાતા આજે એક ભેંસ અને એક શ્રમજીવીને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે.ગ્રામજનોમાં ભારે ગુસ્સો જોવા મળતા કોસીંદ્રા નાયબ કાર્યપાલક ઈજનેર સહીત સ્ટાફનો ગ્રામજનોએ હુરિયો બોલાવ્યો હતો.ભોરદા ગામના ડે.સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને હવામાં લટકતા જીવંત વાયરોનું તાત્કાલિક હેઠળથી સમારકામ કરવા ધારદાર રજૂઆત કરી હતી.આમ ભોરદા ગામે હવામાં લટકતા જીવંત વાયરને અડકી જતા ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ભેંસને બચાવવા જતા શ્રમજીવી જીવંત વાયરને અડકી જતા ફંગોળાઈને જમીન પર પટકાતા બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સ્થિતિ નાજુક બતાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here