પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ત્રિમંદિર,ભામૈયા ખાતે ભૂલકા મેળો યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આયોજીત શિક્ષણની વાત અને ભૂલકા મેળો પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષપદે ત્રિમંદિર,ભામૈયા ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત થકી કરાઈ હતી.

આ પ્રસંગે નાના ભૂલકાઓએ ગીત-સંગીત-નૃત્ય-ચિત્ર વગેરેની મનમોહક રજૂઆત કરી હતી.જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી. “પા પા પગલી”બાળકોના ભૂલકા મેળામાં ગીત-સંગીત-નૃત્ય-વાર્તાકથન-વેશભૂષા સહિતની પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને આ મેળાને મન ભરીને માણ્યો હતો.મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દરેક તાલુકાની આંગણવાડીઓ દ્વારા આંગણવાડીના અભ્યાસક્રમને લગતા વિવિધ મહત્વના વિષયોને આવરીને ટિચિંગ અને લર્નિંગ મટીરીયલ રજૂ કર્યું હતું.જેના ઉપયોગથી બાળકોનો માનસિક, શારિરિક, બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક, ભાવનાત્મક અને સર્જનાત્મક વિકાસ થાય છે.

આ તકે PSE ઈન્સ્ટ્રકટરની સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.ભૂલકા મેળામાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે સ્ટીલના ડબ્બા આપવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલ TLMનું મહાનુભાવો દ્વારા તેમજ નિર્ણાયકો દ્વારા TLM નિદર્શન કરીને ૧ થી ૩ નંબર મેળવનારને પ્રમાણપત્ર તેમજ સીલ્ડ આપીને સન્માનિત કરાયા હતા.

ભૂલકા મેળાનું મહત્વ:- પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાગી વિકાસ અને તેનું આંકલન કરવાનું થાય છે. તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપવાની રહે છે.આ સાથે તેમની બાળ ઉછેરમાં ભૂમિકા પણ સમજાવવી જરૂરી બને છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવાના સાધનોને રમતો બનાવી પ્રદર્શન રૂપે વાલીને માહિતી આપાય છે.

ભૂલકા મેળાનો હેતુ:- વાલી મિત્રો બાળકના સર્વાંગી વિકાસ અને ડેવલોપમેન્ટ અંગે માહિતી મેળવી શકે.ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરું પડે.બાળક મુક્ત,આનંદ અને સર્વાંગી વિકાસની વિવિધ પ્રવૃતિઓ થકી અનુભવ મેળવી શકે.આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે રસ અને ઉત્સાહ કેળવાય તે માટે ભૂલકા મેળાનું આયોજન કરાય છે.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રમીલાબેન ચૌધરી,આંગણવાડીની બહેનો અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here