ઝંડા ઊંચા રહે હમારા લખનાર કવિ વિશે શું જાણો છો…!?

ગોધરા,કાસીમ ખાતુડા :-

લોગઈનઃ

વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા

સદા શક્તિ સરસાનેવાલા પ્રેમ સુધા બરસાનેવાલા વીરો કો હર્ષાનેવાલા

માતૃભૂમિ કા તનમન સારા ઝંડા ઊંચા રહે હમારા

સ્વતંત્રતા કે ભીષણ રણ મેં કણકણ જોશ બઢે ક્ષણક્ષણ મેં કાંપે શત્રુ દેખકર મન મેં

મિટ જાયે ભયસંકટ સારા ઝંડા ઊંચા રહે હમારા

શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’

આ ગીત તમે અનેકવાર સાંભળ્યું હશે. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના અને શ્રીદેવી અભિનિત ફિલ્મ ‘ફરિશ્તે’માં પણ આ ગીત ફિલ્માવાયું છે. આશા ભોંસલેએ અદ્ભુત ગાયું છે. પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી જેવા દિવસે આવાં ગીતો કાને પડતાની સાથે રાતોરાત ઊભી થઈ ગયેલી બિલ્ડિગોની જેમ ઘણાના મનમાં દેશભક્તિ ઊભી થઈ જાય છે. ચારે રસ્તેથી પસાર થતી વખતે અમુક વાહનચાલકો ઝંડો ખરીદી પોતાના વાહનમાં લગાડે છે. બીજા દિવસે પસ્તીની જેમ રસ્તે રઝળતો પણ કરી દે છે. આના પરથી ખ્યાલ આવે છે કે ઝંડો ખરીદનાર માણસના મનમાં રહેલી દેશભક્તિ કેટલી રદ્દી છે.

આ ગીત આપણે ગૌરવપૂર્વક ગાઈએ છીએ. પણ તેના કવિ વિશે ભાગ્યે જ વધારે ખબર છે. આજે તો આ ગીતના કવિ શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’ને મોટાભાગના લોકો વિસરી ચૂક્યા છે. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ભારતભૂમિનો ઝંડો ઊંચો રાખવામાં તેમનું પણ મહત્ત્વનું પ્રદાન હતું. તેની માટે તેમણે છ વર્ષની જેલ પણ વેઠેલી. જેલમાં જ તેઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ દેસાઈ વગેરેના સંપર્કમાં આવ્યા.

આ ગીતનો પણ એક ઇતિહાસ છે. એ સમયે ભારતના સ્વાતંત્ર્ય માટે લડી રહેલી કોંગ્રેસનો ઝંડો તો નક્કી થઈ ગયો હતો પણ કોઈ ગીત નહોતું. પાર્ષદજી રાષ્ટ્રકવિતાઓથી ઘણા લોકો પરિચિત હતા. આથી પાર્ટીએ ઝંડાગીત લખવા માટે પાર્ષદજીને કહ્યું. પણ લાંબા સમય સુધી પાર્ષદજીથી કશું લખાયું નહીં. એક દિવસ કોઈકે ટોન્ટ માર્યો કે કવિ છો, “દેશભક્તિના બણગાં ફૂંકો છો ને ઝંડા પર એક ગીત તો લખી શકતા નથી!” કોંગ્રેસે કહ્યું, અમને તાત્કાલિક ગીત જોઈએ. પાર્ષદજીએ રાતોરાત જાગીને ગીત લખી આપ્યું.

પહેલી વાર આ ગીત જલિયાવાલા બાગના હત્યાકાંડની સ્મૃતિમાં યોજવામાં આવેલ સભામાં 13 એપ્રિલ 1924ના રોજ હજારો લોકો વચ્ચે ગાવામાં આવ્યું હતું. ગીતની અસર એટલી તીવ્ર થઈ કે ત્યાં ઊભેલા હજારો લોકોના હૈયામાં ભારતભૂમિનો ઝંડો જીવનભર માટે રોપાઈ ગયો. જવાહરલાલ નહેરુએ એ વખતે કહેલું, “લોકો ભલે શ્યામલાલ ગુપ્તને ન જાણતા હોય, પણ રાષ્ટ્રધ્વજ માટે લખાયેલા આ ગીતથી આખો દેશ પરિચિત થઈ ગયો છે.”

દેશ આઝાદ થયા પછી ધીમે ધીમે કોંગ્રેસનું આચરણ બગડતું ગયું. લોકો પાર્ષદજીનું ઝંડા ઊંચા રહે હમારા ગીત પણ ભૂલવા લાગ્યા. એક દિવસ કોઈકે કવિને પૂછ્યું, “આજકાલ શું લખી રહ્યા છો?” પાર્ષદજીએ કહ્યું, નવું તો કંઈ નથી, પણ ઝંડાગીતમાં થોડી પંક્તિઓ ઉમેરવાનું વિચાર્યું છે – ઈસકી શાન ભલે હી જાય, પર કુર્સી ના જાને પાયે.”

આ વાત આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ કેટલી વેધક રીતે લાગુ પડે છે!

રાષ્ટ્રધ્વજનો અદ્ભુત મહિમાગાન કરનાર આ કવિને એક વખત ચાલતા પગમાં કાચ વાગી ગયો, ઘાવ ઊંડો હતો, પણ આર્થિક તંગીને કારણે સરખો ઇલાજ ન કરાવી શક્યા તેથી ગેંગરીન થઈ ગયું. શહેરની કોઈ સામાન્ય હોસ્પિટલમાં દાખલ પડ્યા, પણ દાખલ કરવામાં કહેવાતી વ્યવસ્થાએ ચાર-પાંચ કલાક લઈ લીધા. 1977માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આવવાને થોડાક જ દિવસની વાર હતી ને તેમણે દેહ છોડ્યો. મર્યા પછી તેમને એમ્બ્યુલન્સ સુધ્ધાં નહોતી મળી. તેમના શબને ધક્કાગાડીમાં ઘર સુધી લઈ જવાયો, કોને ખબર હતી કે આ જ માણસનું ગીત થોડા દિવસ પછી આખો દેશ ઉન્નતમસ્તકે શાનથી ગાવાનો છે.

કહેવાય છે કે જ્યારે ઝંડાગીત માટે તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તેડું આવ્યું ત્યારે ત્યાં જવા માટે તેમની પાસે સારા ધોતી-કૂર્તા પણ નહોતા. પોતાના એક મિત્ર પાસેથી થોડા પૈસા ઉછીના લઈને તેમણે આ વ્યવસ્થા કરેલી. આવી મુફલિસી છતાં તેમણે ક્યારેય કોઈ સાથે હાથ લાંબો નહોતો કર્યો. ન તો તેમણે ગોદ લીધેલા દીકરા માટે કોઈની ભલામણ વાંછી હતી. આજે આ ગીત આખો દેશ વાહેરતહેવારે ગર્વોન્વિત થઈને ગાય છે, પણ તેના કવિ વિશે જાણીને મન ખાટું થઈ જાય છે. પાયાનું કામ કરનાર માણસને પાયે જ કેમ લૂણો લાગેલો હોય છે? કમસે કમ આજના દિવસે તો આ પ્રશ્ન થવો જ જોઈએ.

આ જ ગીતની અન્ય પંક્તિઓ સાથે લોગઆઉટ કરીએ. જય હિન્દ.

લોગઆઉટઃ

ઈસ ઝંડે કે નીચે નિર્ભય લે સ્વરાજ યે અવિચલ નિશ્ચય બોલો ભારતમાતા કી જય

સ્વતંત્રતા હી ધ્યેય હમારા ઝંડા ઊંચા રહે હમારા

આઓ પ્યારે વીરો આઓ દેશ ધર્મ પર બલિ બન જાઓ એક સાથ સબ મિલકર ગાઓ

પ્યારા ભારત દેશ હમારા ઝંડા ઊંચા રહે હમારા

શાન ન ઈસ કી જાને પાયે ચાહે જાન ભલે હી જાયે વિશ્વ વિજય કર કે દિખલાયેં

તબ હોવે પ્રણ પૂર્ણ હમારા ઝંડા ઊંચા રહે હમારા

શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’ (લેખ – અનિલ ચાવડા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here