કાલોલ તાલુકાના નેવરિયા ગામ પાસેની કરાડ નદીમાં બેફામ રેતી ખનન સામે ગ્રામજનોનો આક્રોશ… ગ્રામજનોએ રેતી ભરેલુ એક ડમ્પર તંત્રને હવાલે કર્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાનાં નેવરિયા ગામ નજીકથી પસાર થતી કરાડ નદીમાંથી રેતી ખનન કરીને રેતીનો વેપલો મોટા પ્રમાણમાં ચાલાતો હોવાથી કરાડ નદીમાંથી રેતી ઉલેચીને રેતી માફીયાઓ વડોદરા અને સાવલી વિસ્તારમાં પહોંચાડી રહ્યા છે, ખાસ કરીને નેવરિયાથી ચાંપાનેર રોડ પર રેતી ભરેલા ઓવરલોડ ટર્બાઓ બેફામપણે દોડતા નેવરિયાથી ચાંપાનેર જવાનો ગત વર્ષે જ નવો બનેલો રસ્તો ઠેર ઠેર તુટીને બિસ્માર હાલતમાં થઈ ગયો હતો. જેથી બેફામ અને પુરઝડપે દોડતા રેતીના ટર્બાઓ અને તૂટી ગયેલા રોડથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તદ્ઉપરાંત અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઇ રહી છે. અત્રે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બાબતે ગામના સરપંચ તલાટીને વારંવાર રજુઆત કરવાં છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા રવિવારે ગ્રામજનોએ ટર્બાઓ સામે એકત્રિત થઈને હલ્લાબોલ કરી રેતી વહન કરતાં વાહનો રોકવામાં આવ્યા હતા. જોકે ગામલોકોના આક્રોશને પગલે અન્ય વાહનો નાશી છુટયા હતા પરંતુ તેમાંથી એક રેતી ભરેલ ટર્બો ગ્રામજનોએ કબ્જે કરીને પોલીસને જાણ કરતા કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રેતીના ટર્બાને પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી અંગે ખાણખનીજ વિભાગને જાણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે નેવરિયા ગામે કરાડ નદીમાં પાછલા ઘણા સમયથી બેફામપણે થતા રહેલા રેતીખનન અને રેતી ભરેલા ડમ્પરોથી ત્રાસીને બે દિવસ પહેલા શકતિપુરા પંચાયતના સરપંચે પણ સાહસ કરીને સાત-આઠ જેટલા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો અટકાવીને મોબાઈલ ફોન મારફતે તંત્રને જાણ કરી હતી. પરંતુ ઉદાસીન તંત્ર સમયસર નહિ પહોંચતા અન્ય પીઠબળોનો લાભ ઉઠાવીને ડમ્પરો નિકળી ગયા હતા એ સુમારે તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિક લોકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here