કાલોલના અડાદરા ગામેથી આઈ.પી.એલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે પકડાયા રૂ.૩૯,૮૯૦/ નો મુદ્દામાલ કબજે

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ્ય લેવલ સુધી પહોંચ્યું જેની ઊંડી તપાસ થાય તો ઘણા મોટા માથાના નામો બહાર આવે તેમ છે

સટ્ટો લેનાર ત્રીજો ઈસમ ખરેખર બુકી કે પછી મોટા માથાને બચાવવા માટેનો બલિનો બકરો તેની ચર્ચાઓ ચકડોળે ચડી

કાલોલ તાલુકાના અડાદરા ગામેથી વેજલપુર પોલીસે આઈ પી એલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા રમતા બે ઈસમોને પકડી પાડી સટ્ટો લેનારી સહિત ત્રણ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરેલ છે. બનાવની વિગતો મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન એમ રાવતને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અડાદરા ગામે મેઈન બજારમાં રહેતા પીન્કેશ ઉર્ફે બુધો ગોપાલદાસ શાહ પોતાના મકાનમાં હાલમાં ચાલી રહેલ મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચનો હાર જીતનો સટ્ટો રમી રમાડે છે જે આધારે પોલીસે પંચો રૂબરૂ ખાનગી વાહનમાં સુરેલી ગેગડીયા થઈ અડાદરા ખાતે જઇ બાતમી વાળા સ્થળે રેડ કરતા દુકાન થઈ ઉપલા માળે દરવાજો ખુલ્લો હોઈ પ્રથમ રૂમમાં જોતા બે ઈસમો ટીવીમાં મેચ જોઈ રહેલા જણાયા સોની બ્રાવીયા કંપનીનું ટીવી ચાલુ હતું જેમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચેની ક્રિકેટ મેચનુ જીવંત પ્રસારણ ચાલી રહેલ પોલીસે મેચનો સ્કોર તથા તેની વિગતો નોંધી બંને ઈસમોના નામ પુછતા (૧) પીન્કેશ ઉર્ફે બુધો ગોપાલદાસ શાહ મેઈન બજાર અડાદરા (૨) હિતેશ કુમાર ગોપાલદાસ શાહ મહાદેવ ફળિયા અડાદરા હોવાનું જણાવ્યું. બંને ઈસમોની અંગ જડતી કરતાં રૂ ૧૦,૫૯૦/ તથા 3 મોબાઈલ રૂ ૧૨,૫૦૦/ એક ટીવી સોની કંપની રૂ ૧૫,૦૦૦/ ટાટા સ્કાયનું સેટટોપ બોક્સ રૂ ૧,૦૦૦/ ,ટીવી રીમોટ રૂ ૧૦૦/, એક્સ્ટેંશન બોર્ડ રૂ ૧૦૦/ તથા સિમોન કંપનીનું સ્ટેબિલાઇઝર રૂ ૨૦૦/, ટીવી ચાર્જર રૂ ૨૦૦/લીટી વાળો કાગળ,એક બોલપેન એમ કુલ મળી રૂ ૩૯,૮૯૦/ નો મુદ્દામાલ જપ્ત કરી પૂછરછમાં આ બન્ને ઇસમો ક્રિકેટ ગુરૂ લાઈન નામની એપ્લિકેશન મારફતે મેચના હારજીતના સટ્ટાનો જુગારનો ગ્રાહકો પાસેથી ભાવ લખતા અને આગળનો વેપાર કાલોલના ટીમલી ફળિયામાં રહેતા કયામુદ્દીન જેરુદ્દીન શેખને લખાવતા હોવાનું કબુલાત કરતા પોલીસે આ બન્ને ઉપરાંત એક ઈસમ એમ કુલ ત્રણ સામે જુગારધારાની કલમ ૪ ,૫ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે હાલમાં ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યું છે અને તેમાં નવયુવાનો આ સટ્ટામાં સંડોવાઈને બરબાદીના પંથે જઇ રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે સટ્ટો લેનાર કાલોલનો ઈસમ ખરેખર સટ્ટા નેટવર્કમાં સામેલ છે કે પછી કોઈ મોટા માથાને બચાવવા માટે ઉભુ કરેલું પ્યાદું છે તેની ચર્ચાઓ કાલોલ પંથકમાં જામી રહી છે પકડાયેલા ઈસમોના મોબાઈલની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો ઘણા મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here