આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકાનાં મોજરી ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો

મોરવા(હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને જિલ્લાનાં મોરવા હડફ તાલુકાનાં મોજરી ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી બોલતા આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોજરી ગામ ખાતે નિર્મિત થનારા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મોજરી, વેજમા, માતરીયા સહિતનાં 11 થી વધુ ગામોને સ્વાસ્થ્ય-સારવારને લગતી ઉત્તમ સુવિધાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત થશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આ આધુનિક મકાનમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર સુવિધાઓની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોરવા હડફ સીએચસી બાદ આ પીએચસીનું નિર્માણ છેવાડાનાં માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં લેવાયેલ અનેક પગલાઓ પૈકી એક છે. મોરવાનાં આ અંતરિયાળ વિસ્તારમાં અને ખાસ કરીને મહિલાઓ-બાળકોમાં સ્વાસ્થ્યનું સ્તર ઉંચું લાવવામાં આ પીએચસીની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાતનાં નાગરિકોને વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓનું માળખું ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની સરકાર કટિબધ્ધ છે. બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા બિનચેપી પણ લાંબાગાળે જીવલેણ સાબિત થઈ શકતા રોગોનાં જોખમથી લોકોને સુરક્ષિત કરવા સરકાર દ્વારા શરૂ કરાયેલ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આ પ્રકારનાં રોગોનું નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પૈસાનાં અભાવે કોઈપણ નાગરિક ઉત્તમ સારવારથી વંચિત ન રહે તેવી કાળજી રાખતા સરકારે પીએમજેએવાય કાર્ડ યોજના લોન્ચ કરી કેન્સર, હદયરોગ જેવા રોગોમાં રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવી છે. જિલ્લામાં 64 હજારથી વધુ કુટુંબોને આયુષ્માન કાર્ડ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આ યોજના અનેક જરૂરતમંદ પરિવારો માટે આર્શીવાદરૂપ બની છે. તેમણે ઉમેર્યુ કે ગોધરા ખાતે 325 કરોડથી વધુનાં ખર્ચે મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, જેથી ડોક્ટર બનવા ઈચ્છતા સ્થાનિક યુવાનોને બહાર ન જવું પડે તેમજ જિલ્લાની સ્વાસથ્ય સુવિધાઓ બહેતર બને. મોરવા હડફ વિસ્તારમાં ખેડૂતોનાં લાભાર્થે સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સંતરોડમાં ખાપડા, નાટાપુર સહિતનાં તળાવો ભરાયે તેમાંથી સિંચાઈનું પાણી આ વિસ્તારમાં પહોંચાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. હારેડા પાણી પુરવઠા યોજના અંતર્ગત થયેલી કામગીરીની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે હવે વાસ્મો મારફતે દરેક ગામમાં કામગીરી હાથ ધરી નળ દ્વારા ઘરે પાણી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમમાં મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખસુશ્રી ધર્મિષ્ઠાબેન માલીવાડ તેમજ શ્રી વિજયભાઈ પટેલે પ્રાંસગિક સંબોધનો કર્યા હતા. મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોનાં હસ્તે આ પ્રસંગે લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એડીએચઓ ડો. જે.પી. પરમારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ ડો. પ્રદિપ ભૂરિયાએ આભારવિધી કરી હતી. કાર્યક્રમમાં બાંધકામ સમિતીનાં ચેરમેનશ્રી વિક્રમભાઈ ડિંડોળ, ધવલભાઈ દેસાઈ, તખતસિંહ પટેલ સહિતનાં અગ્રણી આગેવાનો તેમજ સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here